ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સહકારથી મેળવેલી સમૃદ્ધિ સમાનતા લાવશે, બંધુતાનું પોષણ કરશે અને સામાજિક ન્યાય કાયમ કરશે. ડૉ .બી. આર. આંબેડકરે આપેલા સમાનતા બંધુતા અને સામાજિક ન્યાયના લક્ષ્યને સાધવા માટે સહકાર મોટું ચાલક બળ બની શકે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડૉ. બી. આર. આંબેડકર કો-ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીસ ફેડરેશનના ગાંધીનગરમાં આયોજિત મહાઅધિવેશન ના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
આ પ્રસંગે તેમણે કહ્યું કે, સારું કામ કરનારા લોકોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર તત્પર છે. અનુસૂચિત જાતિની સહકારી મંડળીઓનું ફેડરેશન નાનામાં નાના વ્યક્તિને અને ખાસ કરીને બહેનો માટે લાભકારી રહ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, બેન્કિંગ, મિલ્ક પ્રોડક્શન, સુગર અને કોટન સેક્ટરમાં કો-ઓપરેટિવ મોડલ અપનાવી ગુજરાત સફળ થયું છે. સહકારથી સમૃદ્ધિની દિશા આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહે આપી છે.વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશમાં પ્રથમવાર અલાયદુ સહકાર મંત્રાલય કાર્યરત થયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી કહ્યું કે, ભારતમાં આઝાદી પહેલા જે આર્થિક સુધાર અને મોટા બદલાવ આવ્યા તેમાં બાબાસાહેબના વિચારોનો ખૂબ મોટો ફાળો છે. બ્રિટિશ હુકુમતમાં ભારતની આર્થિક સ્થિતિ અને સમસ્યાઓને બાબા સાહેબ વિશેષ રીતે સમજી શક્યા હતા.
મુખ્યમંત્રીએ ફેડરેશનના પદાધિકારીઓ, આગેવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, વંચિત દલિત અને શોષિત વર્ગના નાના માણસને આર્થિક સશક્ત કરવાનું ફેડરેશનનું કામ સરાહનીય છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, એક સમય હતો જ્યારે વંચિત વર્ગના નાના માણસને બેંક જલ્દી લોન આપતી ન હતી, નાના માણસનું જામીન પણ કોઈ થાય નહીં. પરંતુ હવે સમય બદલાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામાન્ય, ગરીબ વર્ગના લોકોના જામીન બન્યા અને નાના માણસને લોનની ગેરંટી તેમણે આપી છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, મુદ્રા લોન અને સ્વનિધી યોજનાના માધ્યમથી નાના વ્યાપારીઓ, શેરી ફેરીયાઓને લોન મળતી થઈ છે. તેમના હાથમાં પૈસો આવ્યો છે અને તેમના ધંધા રોજગાર ફૂલી ફાલી, આત્મનિર્ભર બન્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમાજવાદ અને મૂડીવાદની સામે ગુજરાતની સહકારી ચળવળે વૈકલ્પિક મોડેલ- સહકારવાદ તૈયાર કરી આપ્યું છે. સમાનહિત માટે એક સમાન ધ્યેય સાથે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના પાયા ઉપર આ વ્યવસ્થા રચાઇ છે.
સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી દેશમાં ખાદીનું ટર્નઓવર રૂપિયા સવા લાખ કરોડ પર પહોંચ્યું છે. એક વિચારથી સમાજ જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવે તેનું ઉદાહરણ મોદી સાહેબનું આ ખાદી અભિયાન છે. ખાદી વેચાણમાં વધારો થવાથી વણકર સમાજના કારીગર ભાઈઓ બહેનોને ખૂબ મોટો લાભ થયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.