સાસણ સિંહ સદન ખાતે વન વિભાગના અધિકારીઓ સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેઠક યોજી
અમદાવાદઃ જૂનાગઢમાં બિપરજોય વાવાઝોડામાં ગીરના સિંહ સહિતના વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારે વિવિધ પગલાંઓ લીધા હતા. દરમિયાન રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ બિપરજોય વાવાઝોડામાં ગીરના સિંહના વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં સંદર્ભે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સાસણ સિંહ સદન ખાતે બેઠક યોજી હતી. મંત્રીએ વાવાઝોડાના સમયમાં સમગ્રતયા ખાસ કરીને સિંહોના રેસક્યુ કામગીરી બાબતની વિગતો મેળવી હતી. વન વિભાગ દ્વારા વન વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા કેવી રીતે સિંહો સહિતના વન્ય પ્રાણીઓ ઉપર મોનીટરીંગ- દેખરેખ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તે જાણી હતી. મંત્રીએ આ સંદર્ભે ઘટતું કરવા અંગે માર્ગદર્શન અને જરુરી સૂચનાઓ આપી હતી. સિંહોના સંવર્ધન અને પ્રોજેક્ટ લાયન વિશે પણ મંત્રીએ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં મંત્રીએ ગીરના નેસ વિસ્તારમાં વસતા માલધારીઓની ચિંતા કરતાં તેમની સલામતી માટે વન વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાંથી વાકેફ થયા હતા. ગીર પશ્ચિમ નેસ વિસ્તારના 6 જેટલા સગર્ભા મહિલાઓને નજીકના દવાખાનામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતાં. મંત્રીએ સિંહોના સંવર્ધન માટે અદ્યતન ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે પણ પરામર્શ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગીરના સિંહની સુરક્ષા માટેના પગલાની જાણકારી મેળવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગના વનપાલ ગાર્ડ, ટ્રેકર સહિતના કર્મયોગીઓ ફીલ્ડ ઉપર વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે દેખરેખ રાખી રહ્યા છે. આ બાબતનો રિપોર્ટ પણ વન વિભાગના કંટ્રોલરુમમાં વાયરલેસના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. આવશ્યકતા મુજબ સિંહ સહિતના વન્ય પ્રાણીઓના રેસક્યુ માટે વેટરનરી ડોક્ટર સહિતની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.