મિસ્ર : મિસ્રમાં ચાલી રહેલ સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ સમિટ વિશ્વના દેશો સાથે એક લાંબી ચર્ચા પછી સમાપ્ત થઇ છે. જલવાયુ પરિવર્તન અને તેની અસરોના કારણે પીડિત ગરીબ દેશોની મદદ કરવા માટે ‘નુકસાન અને ક્ષતિ’ કોષ સ્થાપિત કરવાના કરાર પર સહમતિ સધાઈ છે. આ નિર્ણયને કલાઈમેટ એકટિવિસ્ટો સહિત ઘણાં દેશોએ આવકાર્યો છે.
‘નુકસાન અને ક્ષતિ પૂર્તિ’ કોષનો પ્રસ્તાવ G77 દેશો, ચીન અને અન્ય ગરીબ દેશો તથા અન્ય આઇલેન્ડસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આર્થિક રૂપે નબળાં આ દેશોએ cop-27 દ્વારા તેમને આ મદદ આપવી જ જોઈએ, એમ જણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર મહા સચિવ એન્ટોનિયો ગુટેરેસે પોતાના વિડીયો સંદેશમાં જણાવ્યું કે આ ‘નુકસાન અને ક્ષતિ કોષ’ ની સ્થાપના અને તેને ચાલુ કરવાના નિર્ણયનું તેઓ સ્વાગત કરે છે. ‘નુકસાન અને ક્ષતિ ’ કોષ સ્થાપિત કરવાના નિર્ણયને હાલના સમયનું એક અગત્યનું પગલું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આ COP દ્વારા એક અગત્યનો અને ભવિષ્યમાં જલવાયુ પરિવર્તન મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. સાથે જ તેમણે વિકાસશીલ દેશોના જલવાયુ અંગેના ખર્ચમાં વર્ષે 100 બિલિયનના લાંબા સમયથી અધૂરા વાયદાને પૂરો કરી, તેમાં સ્પષ્ટતા સાથે અનુકુલન ભંડોળને બેવડું કરવાના ભવિષ્યના માર્ગનું પણ સુનિશ્ચિત આયોજન થાય, એની પર ભાર મૂક્યો.
(ફોટો: ફાઈલ)