દેશમાં સૌથી વધારે વાઘ કોર્બેટ નેશનલ પાર્કમાં, હાલ 231 વાઘનો વસવાટ
દિલ્હીઃ સમગ્ર દેશમાં વાઘની સંખ્યા ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ કોર્બેટ નેશનલ પાર્કમાં હોવાનું ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI)ના રિપોર્ટમાં સામે આવ્યું છે. કોર્બેટ નેશનલ પાર્ક વાધના રહેઠાણ માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે ઉપસી રહ્યાં છે. તેમજ રિપોર્ટમાં વાઘ વચ્ચે ઈનફાઈટની ઘટના વધવાનો ખતરો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. એફએસઆઈના રિપોર્ટ અનુસાર દેશમાં 52 નેશનલ પાર્ક છે પરંતુ કાર્બેટ પાર્ક જ વાઘની સંખ્યા સૌથી વધારે છે.
રિપોર્ટ અનુસાર કોર્બેટમાં 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં લગભગ 14 વાઘ રહે છે. હાલમાં કોર્બેટ નેશનલ પાર્કમાં 231 વાઘ છે. કોર્બેટ ટાઈગર રિઝર્વ (CTR)નો વિસ્તાર છેલ્લા દસ વર્ષમાં લગભગ 22 ચોરસ કિમી જેટલો ઘટ્યો છે. વાઘની શ્રેણીના સંકોચાઈ જવાનો અર્થ એ છે કે વાઘ વચ્ચેનો સંઘર્ષ વધશે, જે વાઘ અને કોર્બેટના સ્વાસ્થ્ય માટે સારું નથી. 2011માં 330.58 ચોરસ કિમીનો વિસ્તાર ગાઢ જંગલ હતો જે 2021માં વધીને 441.44 ચોરસ કિમી થયો છે. નિષ્ણાતો કહે છે કે વાઘને જીવિત રહેવા માટે સંપૂર્ણ વસવાટની જરૂર છે. જ્યાં સારા જંગલો, ઘાસના મેદાનો, ઝાડીઓ હોવી જોઈએ, તો જ તે શિકાર કરી શકશે. કોર્બેટમાં 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં લગભગ 14 વાઘની હાજરીનો અર્થ એ પણ થાય છે કે અહીં કુદરતી રહેઠાણ સારું છે.