Site icon Revoi.in

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ધાણાની આવક, સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ધાણાનું ધૂમ વાવેતર થયું હતું પણ કમોસમી વાતાવરણને લીધે પાક ઘટવાના અંદાજો મુકાઈ રહ્યા છે. છતાં સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ધાણાની આવકે વેગ પકડયો છે. ગત વર્ષ કરતા ખડૂતોને બમણા  ભાવ મળી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના યાર્ડોમાં ધાણાની આવક ધીમેધીમે વેગ પકડી રહી છે. શુક્રવારે આશરે 1.90 લાખ મણની આવક થઇ હતી. ખાસ કરીને રાજકોટ-ગોંડલમાં આવક ઊંચકાઈ રહી છે. પાકના અંદાજો માંડતા આશરે 40 લાખ બોરીની અંદર પાક થવાની સંભાવના છે. જે ગયા વર્ષ કરતા 25 ટકા ઓછો છે.  ગયા વર્ષે ખેડૂતોને મણે રૂ. 1100-1200 મળ્યા હતા. આ વર્ષે રૂ.1900થી 3500 સુધીના ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે. જો કે રાજકોટમાં 48 હજાર મણની આવકે રૂ.1680-2525માં અને ગોંડલમાં 33200 મણની આવક થતા રૂ.1301-2376માં ખપ્યા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ અને ગોંડલ ઉપરાંત અન્ય માર્કેટ યાર્ડ્સમાં પણ ઘાણાની સારીએવી આવક થઈ રહી છે. હળવદમાં 31495 મણની આવક થતા રૂ.1600-2455માં વેપાર થયા હતા. એ સિવાય જામજોધપુરમાં 6000 મણ, અમરેલીમાં 6940, જૂનાગઢમાં 10200, જામનગરમાં 36236, કાલાવડમાં 3000 મણની આવક થઇ હતી.   આ અંગે ગોંડલના ધાણાના વેપારીએ કહ્યું કે,  ગયા વર્ષે 4થી માર્ચ સુધીમાં સૌરાષ્ટ્રમાં અઢી લાખ ગુણીની  આવક થઇ ગઈ હતી. જ્યારે અત્યાર સુધીમાં સવા-દોઢ લાખ ગુણીની જ આવક થઇ છે.  એ કારણે  પાકમાં ગાબડાની શક્યતા મજબુત બનતી જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે એકંદરે ખેડૂતો માટે આ વર્ષે ધાણાના ઊંચા મળતા ભાવથી રાજીપો છે. આવક બેવડાશે તો ભાવ પણ તૂટશે તે નક્કી છે.