ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ,ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય
- ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ
- રાત્રે 11 થી સવારના 5 સુધી રહેશે લાગુ
- ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય
લખનઉ:સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે શનિવારથી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. આ કર્ફ્યુ રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે અને આ સાથે રાજ્ય સરકારે કોવિડ પ્રોટોકોલના નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત લગ્ન સમારોહમાં વધુમાં વધુ 200 લોકો જ હાજર રહી શકશે અને શેરીઓમાં ફરવા જનારા અને માર્કેટમાં જનારાઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
રાજ્યમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનએ દસ્તક આપી છે. જ્યારે દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને યુપીના મુખ્યમંત્રીએ શુક્રવારે ટીમ 9 ની બેઠકમાં આ સૂચનાઓ આપી હતી.
સીએમ યોગીએ કહ્યું કે,દેશના વિવિધ રાજ્યોમાં કોવિડના કેસ વધી રહ્યા છે. જેથી કડક પગલા ભરવાની જરૂર છે. તેમણે કહ્યું કે,કોવિડ પ્રોટોકોલ સાથે લગ્નના જાહેર કાર્યક્રમોમાં માત્ર 200 લોકોને જ મંજૂરી આપવામાં આવશે અને આ માટે આયોજકે પહેલા સ્થાનિક પ્રશાસનને જાણ કરવી પડશે.