- 24 કલાકમાં કોરોનાના 10,488 નવા કેસ
- કુલ 313 દર્દીઓને ગુમાવ્યો પોતાનો જીવ
દિલ્હી :કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર,દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,488 નવા કેસ નોંધાયા છે.તો, આ સમયગાળા દરમિયાન 12,329 દર્દીઓ સાજા થયા છે. જયારે 313 લોકોએ જીવ ગુમાવ્યા છે. નવા કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,45,10,413 થઈ ગઈ છે.
અત્યાર સુધીમાં કુલ 3,39,22,037 દર્દીઓ સાજા થયા છે. મૃત્યુઆંક પણ વધીને 4,65,662 થયો છે. આ સાથે જ એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. હાલમાં દેશમાં કુલ 1,22,714 સક્રિય કેસ છે. જે છેલ્લા 532 દિવસમાં સૌથી ઓછો છે. દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોમાંથી સક્રિય કેસ 1 ટકા કરતા ઓછા છે. હાલમાં, તે 0.36 ટકા નોંધવામાં આવ્યું છે, જે માર્ચ 2020 પછી નોંધાયેલ સૌથી નીચું છે.
ડેલી પોઝિટીવીટી રેટ છેલ્લા 48 દિવસથી સતત 2 ટકાથી નીચે છે. તે 0.98 ટકા નોંધવામાં આવ્યો છે, જ્યારે વીકલી પોઝિટીવીટી રેટ સતત 58 દિવસથી 2 ટકાથી નીચે છે અને આ સમયે 0.94 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,16,50,55,210 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ગત વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી.તો,ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા, આ વર્ષે 4 મેના રોજ બે કરોડને વટાવી ગયા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા.