કેદીઓને કોરોના ફળ્યો, ભાવનગર જેલમાં બંધ 16 કેદીને 60 દિવસના જામીન પર મુક્ત કરાયા
ભાવનગરઃ ગોહિલવાડમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે જેલમાં રહેલા કેદીઓમાં પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા જેલમાં બંધ પાક્કા કામનાં 16 બંદીવાનોને કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે સરકારની ગાઈડલાઈન મુજબ બે માસનાં જામીન પર છોડવામાં આવ્યાં છે. આમ 16 કેદીઓને જામીન પર મુક્તિ મળી જતાં કેદીઓને કોરોના ફળ્યો હોવાનું કહેવાય છે.
જિલ્લા જેલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. ત્યારે જિલ્લા જેલના સત્તાધિશો દ્વારા પણ કોરોનાનો ચેપ જેલ સુધી ન ફેલાય તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અને સરકારની ગાઈડલાઈનનું પુરતું પાલન કરવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લા મધ્યસ્થ જેલમાં પાક્કા કામના કેદી તરીકે લાંબા સમયથી સજા કાપી રહેલ બંદીવાનો માટે મહામારીની ત્રીજી લહેર રાહતરૂપ સાબિત થઈ છે રાજ્ય સરકારે રાજ્ય માં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લા ઓમાં પાક્કા કામના કેદીઓને બે માસનાં જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હોય આથી ભાવનગર જિલ્લા મધ્યસ્થ જેલમાં જે કેદીઓ પાક્કા કામના કેદી છે અને વર્તણૂંક સારી ધરાવે છે તથા ભૂતકાળમાં જામીન મુક્ત થયે કોઈ ગુનાહિત કૃત્યોમા સંડાવેલા નથી એવાં 16 જેટલાં કેદીઓને બે માસ ના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતાં આ નિર્ણય ને પગલે મુક્ત કરાયેલ કેદીઓ તથા કેદીઓના પરિજનોમા ખુશીની લાગણી વ્યાપી છે. (file photo)