2 નહીં, 10 મીટર સુધી હવામાં ફેલાઈ શકે છે ‘કોરોના એરોસોલ’ – કોવિડ -19 પર નવી એડવાઇઝરી
દિલ્હીઃ કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારની કચેરી દ્વારા ભારતમાં કોરોના વાયરસને પગલે સલાહ જારી કરવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં મહામારી ફાટી નીકળવાની વચ્ચે આપણે ફરી એક વખત સામાન્ય નિયમોને યાદ રાખવાની જરૂર છે, જેના દ્વારા સાર્સ- CoV-2 વાયરસનું પ્રસારણ મર્યાદિત થઈ શકે છે.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કચેરીઓ અને ઘરોમાં વધુ સારા વેન્ટિલેશન દ્વારા સંક્રમણનું જોખમ ઘટાડી શકાય છે. સલાહમાં કહેવામાં આવ્યું હતું કે, સારા વેન્ટિલેશન દ્વારા એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં સંક્રમણ લાગવાની સંભાવના ઓછી છે.
ઓફિસ અને ઘરોમાં વેન્ટિલેશનની બાબતમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ એર મેનેજમેન્ટ સિસ્ટમ્સવાળી બિલ્ડીંગોમાં સેન્ટ્રલ એર ફિલ્ટર્સને સુધારવામાં ઘણી મદદ મળી શકે છે. એડવાઇઝરીમાં ઓફિસો, ઓડિટોરિયમ, શોપિંગ મોલ્સ વગેરેમાં ગેબલ ફેન સિસ્ટમ્સ અને છતનાં વેન્ટિલેટરનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે પંખાનું સ્થાન પણ મહત્વનું છે કારણ કે પંખો એવી જગ્યાએ ન હોવો જોઈએ જ્યાં દૂષિત હવા સીધી કોઈ બીજાની પાસે જઈ શકે.
ભારત સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારની કચેરીએ તેની સલાહમાં કહ્યું છે કે, એરોસોલ અને ડ્રોપલેટ્સ દ્વારા વાયરસનું ટ્રાન્સમિશન ઝડપથી થાય છે. એરોસોલ હવામાં 10 મીટર સુધી જઈ શકે છે. સલાહમાં કહેવામાં આવ્યું છે કે, સંક્રમિત વ્યક્તિના 2 મીટરની ત્રિજ્યામાં ડ્રોપલેટસ પડે છે. એડવાઇઝરીમાં એવું કહેવામાં આવ્યું છે કે. જો સંક્રમિત વ્યક્તિમાં કોઈ લક્ષણો નથી તો પણ તેમાંથી પર્યાપ્ત ડ્રોપલેટસ નીકળી શકે છે, જેના કારણે વધુ લોકો સંક્રમિત થઇ શકે છે.
સલાહમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિ દ્વારા શ્વાસ છોડવા, વાત કરતા,ગાતા, હસતા, ખાંસી અથવા છીંક વગેરે દરમિયાન લાળ અને નાક દ્વારા ડ્રોપલેટસ અને એરોસોલની રચના થઈ શકે છે, જે વાયરસના સંક્રમણને ફેલાવી શકે છે. સલાહમાં જણાવાયું છે કે, લોકોએ ડબલ માસ્ક અથવા એન 95 માસ્ક પહેરવા જોઈએ.