Site icon Revoi.in

કોરોનાને લીધે વિમાની સેવાને અસરઃ મુસાફરો ન મળતા અનેક ફ્લાઈટ્સ રદ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે જાહેર પરિવહન ક્ષેત્રને ભારે અસર પહોંચી છે. લોકો મહત્વના કામ વિના મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. એસટી નિગમે ઘણા રૂટ્સ બંધ કરી દીધા છે, રેલવેએ પણ ઘણી ટ્રેનો બંધ કરી દીધી છે. જ્યારે કોરોનાને કારણે વિમાની સેવા પણ પ્રભાવિત બની છે.અમદાવાદ એરપોર્ટથી સંચાલિત ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. 2021ની શરૂઆતમાં કોરોનાના કેસો ઘટતા ફ્લાઈટમાં પેસેન્જરોની સંખ્યા વધી હતી.

અમદાવાદ એરપોર્ટ પર માર્ચ 2021માં 18550 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. પરંતુ માર્ચ અંત બાદ કોરોનાની બીજી લહેર પછી 8 હજાર પેસેન્જરો મુસાફરી કરી હતી. અમદાવાદ એરપોર્ટથી દરરોજ 180થી વધુ ફ્લાઈટનું સંચાલન થતુ હતું. પરંતુ હાલમાં પેસેન્જરો ન મળતા મોટા પાયે ફ્લાઈટો કેન્સલ કરવી પડે છે. એક જ રૂટની બે કે તેથી વધુ ફ્લાઈટના પેસેન્જરોને મર્જ કરાય છે. હાલમાં અમદાવાદથી 80થી 90 ફ્લાઈટો જ ઓપરેટ થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વંદે ભારત મિશન હેઠળ સંચાલિત ઇન્ટરનેશનલ ફ્લાઈટો સિવાય તમામ ફ્લાઈટો બંધ છે ત્યારે આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યામાં 47 ટકા જેટલો ઘટાડો થયો હતો જેની સામે ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યામાં નજીવો 2.7 ટકાનો વધારો થયો હતો. પણ એપ્રિલ અને મે માસ દરમિયાન વિમાની પ્રવાસીઓમાં મોટો ઘટાડો નોંધાયો છે.એટલે ખાનગી એરલાઈન્સ કંપનીઓને ખોટ જતી હોવાથી અનેક ઉડ્ડાનો રદ કરવાની ફરજ પડી છે. લોકો મહત્વનુમં જરૂરૂ કામ હોય તો જ મુસાફરી કરતા હોય છે. બીજીબાજુ ગુજરાતમાં મીની લોક ડાઉન છે. જ્યારે બીજા કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યુ છે.વેપાર-ધંધા બંધ હોવાથી તેની અસર વિમાની સેવા પર પડી રહી છે. માત્ર અમદાવાદ જ નહીં દેશના અન્ય મહાનગરોમાં પણ મુસાફરો ઘટતા અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.