અમેરિકાની જેલમાં કોરોનાનું સંક્રમણ વધ્યુઃ અત્યાર સુધીમાં 2.75 લાખ કેદી થયાં સંક્રમિત
દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. અમેરિકામાં 24 કલાકમાં કોરોનાના 254680 નવા કેસ સામે આવ્યા હતા. હવે અમેરિકાની અતિ સુરક્ષિત કહેવાતી જેલોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. અમેરિકામાં દર પાંચમાંથી એક કેદી કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. જે દર સામાન્ય વસતીની સરખામણીમાં ચાર ગણી વધુ છે.
માર્શલ પ્રોજેક્ટ દ્વારા એકત્રિત આંકડા પ્રમાણે દરેક રાજ્યોમાં અડધાથી વધુ કેદી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં લગભગ 275000 કેદી સંક્રમિત થયા છે, તેમાંથી 1700થી વધુના મોત થયા છે અને જેલોમાં વાયરસનો પ્રસાર ઓછું થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. ન્યૂયોર્કના રાઇકર્સ દ્વીપ જેલ પરિસરના પૂર્વ મુખ્ય ચિકિત્સા અધિકારી હોમર વેંટર્સ એ કહ્યું કે આ સંખ્યા વાસ્તવિક સંખ્યાથી ખૂબ ઓછી છે.
વેંટર્સે કોર્ટના આદેશ પર કોવિડ-19ની સ્થિતિ જાણવા માટે દેશભરમાં એક ડઝનથી વધુ જેલોનું નિરીક્ષણ કર્યું છે. હોમર વેંટર્સએ વધુમાં કહ્યું કે હું હજુ પણ જેલોમાં જઉં છું, મોટી સંખ્યામાં કેદી બીમાર થઇ રહ્યા છે. ત્યાં ના તો તેમની યોગ્ય રીતે તપાસ થતી હોય છે ના તો તેમની દેખભાળ સુવિધાઓ પણ દેખાતી નથી. આથી તેઓ વધુ બીમાર થઇ જાય છે.