Site icon Revoi.in

દિલ્હીમાં કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરાયાઃ ધો-9થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાશે

Social Share

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સીએમ કેજરિવાલની સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ હવે નિયંત્રણો હળવા કરવાની દિશામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને જીમ ખોલવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત રાત્રિ કર્ફ્યુની સમય મર્યાદામાં પણ એક કલાકનો ઘટાડો કરવામાં આવશે. શુક્રવારે યોજાયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે દિલ્હીમાં હવે કોરોના નિયંત્રણમાં છે, તેને ધ્યાનમાં રાખીને આજે DDMAની બેઠક યોજાઈ હતી જેમાં સાત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પહેલો નિર્ણય દિલ્હીની શાળાઓને લઈને લેવાયો છે. ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ 7 ફેબ્રુઆરીથી ખુલશે. ધીમે ધીમે હવે કોવિડના કેસ પણ ઓછા થયા છે અને નવમાથી બારમા સુધીના બાળકોના રસીકરણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે ફિઝિકલ અને ઓનલાઈન બંને ક્લાસ ચાલશે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે ધીરે ધીરે એ તરફ આગળ વધીશું જ્યારે માત્ર ફિઝિકલ ક્લાસ જ ચાલશે, ઓનલાઈન ની જરૂર નહીં રહે. નર્સરીથી ધોરણ 8 સુધીની તમામ શાળાઓ 15 ફેબ્રુઆરીથી ખોલવામાં આવશે. આ પહેલા શાળાઓને તમામ યોગ્ય તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે.