Site icon Revoi.in

કોરોનાના કેસ ઘટતા શક્તિ વર્ધક ગણાતા ફળોના ભાવમાં પણ થયો ઘટાડો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે લીલા નાળિયેરથી લઈને ફળોની માગમાં વધારો થતા ફળોના ભાવ આસમાને પહોંચ્યા હતા..રોગપ્રતિકારક શકિત વધારવા માટેનો રામબાણ ઈલાજ ગણાતા કીવી, ડ્રેગન ફ્રૂટ, નારંગી, નાળિયેર જેવા ફળોનાં ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો સામે ફળની માંગમા પણ મોટાપાયે વધારો થયો હતો. પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ કાબુમાં આવતા ફળોનું માર્કેટ ફરીવાર નીચે આવી રહ્યું છે. કોરોનાનાં કેસમાં ઘટાડો થતાં ફળોની માંગ પર અસર જોવા મળી રહી છે. તો સામે તેના ભાવમાં પણ મહદઅંશે ઘટાડો થયો છે. હાલની સરખામણીએ મહિના પુર્વે ફળના ભાવ બમણા હતા આરોગ્ય માટે અતિ ઉપયોગી ગણાતા ફળોના ભાવમાં તોતીંગ વધારો થવાના કારણે મધ્યમ વર્ગીય કોરોના દર્દીઓને ફળો પોસાય તેમ જ ન હતા.

કોરોનાનો ભોગ બનેલા દર્દીઓને મોંઘીદાટ દવાઓની સાથે ફળો ખરીદવુ મુશ્કેલ બન્યુ હતું સાથે ધંધા રોજગાર પણ બંધ રહેવાની સામાન્ય ભારે હાલાકી પડી હતી. હાલ જયારે ધીમે ધીમે માર્કેટ ફરી રાબેતા મુજબ બન્યુ છે. સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ફળોનાં માર્કેટની હાલની પરિસ્થિતિ વિશે જણાવતાં ફળના વિક્રેતાએ જણાવ્યુ હતું કે, ફળોના ભાવ માર્કેટમાં તેની માંગને આધારિત હોય છે. 15 દિવસ પહેલાની સરખામણીએ હાલ ફળોના ભાવમાં ઘટાડો થયો છે. 15 દિવસ પૂર્વે કીવીનાં એક નંગનો ભાવ રૂા.50 થી 60 હતો જયારે હવે 40 રૂા છે. વચ્ચેના અમુક સમયગાળામાં માર્કેટમાં કીવીની આવક પણ ઘટી ગઈ હતી. ત્યારે તેનાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. અનલોક થયા બાદ લોકો કામે ચડી રહ્યા છે.તેથી માંગમા ઘટાડો થયો છે. થોડા સમય પહેલા તો ફળના બુકીંગ પણ થતાં કારણ કે માંગ મુજબ આવક નહોતી અને લોકો પણ એક સાથે મોટા જથ્થામાં ફળો ખરીદતાં જેથી સંતરા-મોસંબીના 10-10 કિલોના એડવાન્સ બુકીંગ થતા હવે એવુ નથી. જોકે કોરોનાને કારણે હવે લોકો પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપતા થયા છે. તેથી અનેક લોકો નિયમિત ધોરણે ફળ ખરીદે છે.

છેલ્લા 70 વર્ષથી ફળોના વેપાર સાથે સંકળાયેલા છીએ ત્યારે આ તેવી પ્રથમ ઘટના છે. જયારે લોકો આટલા મોટા પ્રમાણમાં કીવી અને ડ્રેગનફ્રૂટ જેવા ફળોનો પણ ઉપયોગ કરતાં થયા છે. હાલ કોરોનાના કેસ ઘટયા હોવા છતાં સફરજન અને મોસંબીના ભાવ વધ્યા છે અને હજુ પણ આ ફળોની માંગ એટલી જ છે સફરજન પહેલા 200 રૂા.કિલો હતા જયારે હાલ 220 રૂપિયા છે અને મોસંબીમાં પણ કિલોએ 20 થી 30 રૂપિયાનો વધારો થયો છે. સામે પપૈયાના ભાવમાં 50 ટકા જેવો ઘટાડો થયો છે. પહેલા એક કિલોનાં ભાવ 80 તો જયારે હવે 30 થી 40 છે. ડ્રેગન ફ્રુટ અને કીવીનાં ભાવમાં પણ 15 દિવસ પહેલા મોટો ઉછાળો થયો હતો જે સામાન્ય થયો છે. સંતરાની 9 કિલોની બોરીનાં ભાવ ઘટી રૂા.200 થી 220 રૂપિયામાં વેચાય છે. દાડમનાં એક કિલોના ભાવ 60 થી 70 રૂપિયા હતો. જયારે હવે 30 થી 40 જ છે બીજી તરફ લીંબુ, મોસંબી, સફરજનના ભાવ હજુ પણ પહેલા જેટલા જ છે.માર્કેટની હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે ભાવમાં હજુ પણ ઘટાડો થશે. નાળિયેરની માંગ પણ ઘટી છે. કોરોનાના કેસમાં વધારાની સાથે નાળિયેરનાં ભાવમાં પણ જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. હાલ 40 થી 60 રૂપિયે મળતુ નાળીયેર એક સમયે 100 થી 120 રૂપિયે નંગ વેંચાતુ હતું.