કોરોનાના કેસ ઓછા થતા વિદ્યાર્થીઓને રાહત, આ રાજ્યોની સરકાર દ્વારા લેવામાં આવ્યા સ્કૂલ ખોલવાના નિર્ણય
- દેશમાં કોરોનાના કેસ ઓછા થયા
- આટલા રાજ્યોમાં શિક્ષણની પ્રવૃતિ શરૂ
- આટલા રાજ્યોમાં સ્કૂલો ફરીથી શરૂ
અમદાવાદ: કોરોનાવાયરસના કેસથી અત્યારે દેશમાં રાહતના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં કોરોનાવાયરસના કેસ 1 લાખથી ઓછા આવતા લોકોને રાહત મળી છે. આવામાં કેટલાક રાજ્યો દ્વારા સ્કૂલોને પણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો વાત કરવામાં આવે રાજધાની દિલ્હીની તો ત્યાં ધોરણ 9-12 સુધીની શાળાઓ ખુલી ગઈ છે અને નર્સરીથી ધોરણ 8 સુધીના વર્ગો 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. તે પછી વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાત સરકારે 7 ફેબ્રુઆરીથી વર્ગ 1 થી 9 ના વર્ગો ઑફલાઇન શરૂ કર્યા છે. અગાઉ 10 થી 12 સુધીના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
હરિયાણામાં પણ કોરોનાવાયરસના કેસ ઓછા જોવા મળી રહ્યા છે અને તેને કારણે હવે તે રાજ્યમાં સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 10 ફેબ્રુઆરીથી વર્ગ 1 થી 9 સુધીના ઑફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે અને ઉપરાંત ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રહેશે. અગાઉ હરિયાણાએ 1 ફેબ્રુઆરીથી ધોરણ 10 થી ધોરણ 12 સુધીની શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો હતો.
ઉત્તર પ્રદેશ સરકારે 7 ફેબ્રુઆરીથી શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો. ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ અને તમામ ડિગ્રી કોલેજો ફરીથી ખોલવામાં આવી છે, જ્યારે અન્ય વર્ગો ઓનલાઈન ચાલશે. બિહાર સરકારે કહ્યું છે કે ધોરણ 8 સુધીની શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ફરીથી ખોલી શકે છે અને ધોરણ 9 અને તેથી વધુની તમામ શાળાઓ સંપૂર્ણ ક્ષમતા સાથે ફરીથી ખોલશે.