Site icon Revoi.in

કોરોનાના કેસો ઘટતા અને વહિવટી તંત્ર રાબેતા મુજબ થતા હવે IAS-IPSની બદલીઓનો ગંજીપો ચીપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સરકારી કચેરીઓમાં પુરતા કર્મચારીઓની હાજરી સાથે ધમધામાટ શરૂ થયો છે. પાટનગર ગામધીનગરના સચિવાલય સહિતની સરકારી કચેરીમાં 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે ધમધમવા લાગતા હવે વહિવટી કામોમાં પણ ગતિ આવી રહી છે. ફરી એક વખત રાજયના આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓ અને સચિવાલયના  વિભાગોના વહિવટી વડાઓની બદલી-બઢતીની ચર્ચાએ જોર પકડયું છે. રાજયમાં ગત માર્ચ માસમાં વિધાનસભાના સત્ર પછી જ આ બદલી-બઢતી થવાની હતી ત્યાંજ કોરોનાની બીજી લહેર આવતા અને કેસ વધવા લાગતા જ વહીવટીતંત્ર અને ખાસ કરીને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને હાલ ડીસ્ટર્બ નહી કરવા નિર્ણય લેવાયો હતો. હવે ઉચ્ચ અધિકારીઓની મોટાપાયે બદલીઓ કરાશે

કોરોનામાં આ તમામ અધિકારીઓએ પ્રથમ લહેરમાં સારી કામગીરી બજાવી હતી અને તેમાં જિલ્લાની પરિસ્થિતિથી જાણકાર હતા અને આ વ્યુહ સફળ પણ થયા. રાજયના દરેક જિલ્લામાં આ બીજી લહેરમાં કેસ હતા તેને બે માસમાં ડામવામાં સફળતા મળી જ છે પણ હવે આ અધિકારીઓ પણ ચેઈન્જ ઈચ્છે છે તથા તેમના ત્રણ વર્ષના કાર્યકાળ પણ ડયુ છે, ગાંધીનગરમાં મુખ્ય સચિવ ખુદ બીજા એકસટેન્શન પર છે અને અનેક ઉચ્ચ અધિકારીઓ ડબલ ચાર્જમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સીએમઓમાં હવે બદલીની ફાઈલો પહોંચી ગઈ છે સોમવારથી સચિવાલય પણ પૂર્ણ રીતે ધમધમતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ ફાઈલો પર કામકાજ શરુ કરી દેશે.લાંબા સમયથી રેવન્યુ વિભાગનો હવાલો હાલના ગૃહ સચિવ  પંકજકુમાર પાસે છે અને તેમા હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી જયારે કેબીનેટમાં વાહન વ્યવહાર પ્રધાન હતા તે સમયે તેમની સાથે કામ કરનાર આઈએએસ અધિકારી  કમલેશ દાયાની અને સિનિયર અધિકારી સૂનયના તોમરના નામ ચર્ચામાં છે. મહેસુલપ્રધાન કૌશિક પટેલના સ્વાસ્થ્યના કારણે લગભગ મુખ્યપ્રધાન જ આ વિભાગના મહત્વના નિર્ણયો લે છે તેથી તેઓ સારુ ટયુનીંગ કરી શકે. તેવા સિનિયર અધિકારીને મુકશે. ખાસ કરીને હવે મુખ્ય સચિવ  અનિલ મુકીમ ઓગષ્ટમાં બીજા એકસટેન્શન પછી વિદાય લેશે તો તેના સ્થાને પંકજકુમારને પણ જવાબદારી સોપાય જેવો હાલ નંબર ટૂ સિનિયર છે તો દિલ્હી ફરજ પર રહેલા  ગુરૂપ્રસાદ મોહપાત્રાનું નામ ચર્ચામાં છે પણ તેઓ કોરોના બાદ હજું પુરા સ્વસ્થ થયા નથી તે બાદનાં ક્રમમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી રેન્કમાં વિપુલ મિત્રા, ડો. રાજીવ કુમાર ગુપ્તા પણ છે. આ તમામ 1986 બેન્ચના અધિકારી છે પણ પંકજકુમાર સૌથી ફેવરીટ છે. તેમનું નામ દિલ્હી માટે પણ ચર્ચામાં હતું પણ ગુજરાતમાં સક્ષમ અધિકારીઓ દિલ્હી જાય તો પછી વહીવટીતંત્રને અસર પડી શકે છે. સચિવ કક્ષાએ ડો. જયંતિ રવિની તામિલનાડુમાં બદલી બાદ આરોગ્યમાં નવા વડા નિયુક્ત કરવાના છે.

સત્રોએ ઉમેર્યુ હતું કે, જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા 75 આઈએએસ અધિકારીઓના નામ પણ બદલીના રાઉન્ડમાં છે. જેમાં રાજકોટના જિલ્લા કલેકટર રેમ્યા મોહન તથા મ્યુ. કમિશ્ર્નર  ઉદીત અગ્રવાલનું નામ પણ છે. અમરેલીના કલેકટર આયુષ ઓકે કોરોના કાળમાં શ્રેષ્ઠ ફરજ બજાવી છે પણ હવે જિલ્લાના ભાજપના નેતાઓ કોઈ ‘સાનુકુળ’ કલેકટર માંગી રહ્યા છે અને વાયા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ ‘લાગણી’ પહોચાડી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશ પણ બદલી શકાય છે. સૂરતના ધવલ પટેલ અને વડોદરાના શાલીની અગ્રવાલને પણ હવે ફીલ્ડના બદલે સચિવાલયમાં જવાબદારી અપાઈ શકે છે. રાજયમાં હવે તમામ પ્રવૃતિ રાબેતા મુજબની જઈ રહે છે. ચોમાસાની કામગીરી પણ કરવાની છે અને ત્રીજી લહેર પણ શકય છે. ગાંધીનગરના અનેક ટોચના અધિકારીઓને જિલ્લા સ્તરે ખાસ કોરોના ફરજ સોપાઈ હતી તેઓ પણ હવે પરત આવી ગયા છે અને ખાસ કોરોનાની સામેની કામગીરીનો અનુભવ ધરાવતા અધિકારીઓની સંખ્યા મોટી છે અને તેથી ત્રીજી લહેરમાં રાજય વધુ સજજ હશે તે નિશ્ચિત છે.

ગુજરાતમાં હવે આઇએએસની બદલીની મૌસમ આવી છે તે નિશ્ચિત બન્યું છે અને તેનું મુખ્ય કારણ ગાંધીનગરમાં સીએમઓમાં વધેલી ચહલ પહલ છે અનેક ટોચના અધિકારીઓ કે જે પોતે બદલી અને મનગમતાં પોસ્ટીંગ માટે લોબીંગ કરી રહ્યા હોય તેઓ સીએમઓમાં ‘મુંહ દીખાઇ’ની રસમ નિભાવવા પણ આવી ગયા છે. કેટલાક સિનિયર અધિકારીઓ કે જે આ બદલીમાં સલાહકારની ભૂમિકા ભજવતાં હોય છે તેઓને સલામ મારવા માટે પણ પહોંચી જનારાની સંખ્યા ઓછી નથી.