ગુજરાતમાં લગ્ન સિઝનને કારણે કોરોનાના કેસમાં થયો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં અત્યાર સુધી ઓમિક્રોનના 3 પોઝિટિવ કેસ નોંધાયાં છે. કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે અને રસીકરણની સાથે કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન હાલ લગ્નની સિઝનને કારણે કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું આરોગ્ય વિભાગના અગ્રસચિવે જણાવ્યું હતું.
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, જામનગરના દર્દીઓની હાલત હાલ સ્ટેબલ છે તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપવામાં આવશે. રાજ્યમાં કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમાં ચાલી રહેલી લગ્નની સિઝનને કારણે કેસો વધી રહ્યા છે. સંભવિત ત્રીજી લહેરને લઇને પણ સરકારે તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે. આ સાથે ગુજરાતના પડોશી રાજ્યોમાં વધતા જતા કોરોના કેસોને લઇને અન્ય રાજ્યો સાથે જોડતી સરહદો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે. ઓમિક્રોન વેરિઅન્ટના જિનોમ સિક્વન્સિંગ અંગે લેબ ટેક્નિશિયનને જાણકારી આપવામાં આવી રહી છે ઓમિક્રોનનો રિપોર્ટ આવતા ત્રણથી ચાર દિવસ લાગે છે.
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો. દરમિયાન ગઈકાલે જામનગરમાં જ ઓમિક્રોનના બીજા બે કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કુલ 3 કેસ નોંધાયાં છે. કોરોના વધારે ના વકરે તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.