સુરતમાં કોરોના કેસ વધતા ઓક્સિજનની માંગમાં 45 ટકાનો વધારો
સુરત: ઉદ્યોગ, અને રોજગાર-ધંધાથી ધમધમતા સુરત શહેરમાં હવે કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસો સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 724 નવા કોરોના કેસ નોંધાયા હતા. જેને લઇને સુરતમાં હાલ ઓક્સિજનના બોટલોની માંગ વધી રહી છે. ત્યારે શહેરમાં ઓક્સિજનની બોટલો માટે દર્દીઓના પરિવારજનોને સવારના 3 વાગ્યાથી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. શહેરની હોસ્પિટલોને સપ્લાય કરતી એજન્સીએ જણાવ્યુ હતું કે, સુરત શહેરમાં ઓક્સીજનની માગમાં 45 ટકા વધારો થયો છે.
કોરોના કેસમાં સતત વધારો થતાં સુરતમાં સ્થિતિ ખુબજ ગંભીર જોવા મળી રહી છે. એવામાં કોરોના દર્દીઓને ઓક્સિજનની ખુબજ જરૂર પડતી હોય છે. ત્યારે કોરોના દર્દીઓ માટે શહેરની હોસ્પિટલોમાં 45 ટકા ઓક્સિજનની માંગમાં વધારો થયો છે. તો બીજી તરફ દર્દીઓના પરિવારજનોને ઓક્સિજનની બોટલો માટે વહેલી સવારના 3 વાગ્યાથી લાઇનો લગાવી પડે છે. આ મામલે દર્દીઓના પરિવારજનો દ્વારા કલેકટરને ઓક્સિજન સપ્લાય વધારવા માટે રજુઆત કરાઈ છે. જેને લઇને કલેકટર દ્વારા ઇન્ડસ્ટ્રીઝને ઓક્સિજન આપવાનું બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે, આ મામલે દક્ષિણ ગુજરાતનો ઓક્સિજન સપ્લાયરે કહ્યું હતું કે, 45 ટકા માંગ વધી છે. સપ્લાય અને બોટલો પણ વધારવાની ફરજ પડી રહી છે.. ઈન્ડસ્ટ્રીઝને ઓક્સિજન આપવાનું બંધ કરીને ઓક્સિજન દર્દીઓને આપવાની માગ ઊઠી છે.