Site icon Revoi.in

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા 108 ઈમરજન્સીના કોલ વોલ્યુમમાં 10 હજારનો ઘટાડો થયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગત મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થતો હતો. અને પ્રતિદિન 15 હજારની આસપાસ કેસ નોંધાતા હતા. 108 ઈમરજન્સીમાં કોલનું વેઈટિંગ ચાલતું હતું. હવે છેલ્લા 10-12 દિવસથી કોરોનાના કેસ ઘટતા જાય છે. તેથી મે મહિનાના પહેલા અઠવાડિયાથી કોલ વોલ્યૂમમાં 10 હજારનો ઘટાડો થયો હતો.

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોનાના કેસોમાં એકાએક વધારો નોંધાયો હતો. બીજી બાજુ 108 ઈમરજન્સી સેવામાં પણ દર્દીઓના કોલ વધી રહ્યાં હતા. ગુજરાતમાં પરિસ્થિતિ એવી ગંભીર હતી કે 1 સેકન્ડ પણ 108ના ફોન ફ્રી રહેતા નહોતા. રાઉન્ડ ધ ક્લોક 108ના કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. 108 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતેનો કોલ વોલ્યુમ જે એપ્રિલ 2021 ના પહેલા અઠવાડિયામાં સરેરાશ 10 હજાર હતો જે ત્રીજા અઠવાડિયામાં 64 હજાર થયો હતો. મે મહિનાના પહેલા અઠવાડિયાથી કોલ વોલ્યૂમ સરેરાશ ઘટતાં 10 હજારનો થયો હતો.

અમદાવાદમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સરેરાશ કોરોના સંબંધિત ઈમરજન્સી 59 ટકા હતી. જે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં 91 ટકા પર પહોંચી હતી. જ્યારે મે મહિનામાં કોરોના સંબંધિત ઈમરજન્સીમાં ઘટાડો જોવા મળ્યો અને પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કોરોના સંબંધિત ઈમરજન્સી 50 ટકા અને અમદાવાદ માટે 54 ટકા કોલ નોંધાયા હતાં. કોવિડ અને નોન-કોવીડ ઈમરજન્સીને વધુ સારો પ્રતિસાદ આપવા માટે 108 એમ્બ્યુલન્સને કોવિડ અને નોનકોવિડ એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે.

108 ઈમરજન્સી સેવાનો રિસ્પોન્સ ટાઇમ જે એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં વધીને 2 કલાક અને અમદાવાદમાં 4 થી 5 કલાકનો થયો હતો. જે ઘટીને હાલ ગુજરાતમાં 30 મિનિટ અને અમદાવાદ માટે 25 મિનિટનો થયેલ છે. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા માર્ચ’2020 થી 12.59 લાખ ઇમરજન્સીને પ્રતિસાદ આપેલ છે. તથા માર્ચ 2020થી કુલ 2.02 લાખ જેટલા કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં ખસેડાયા હતા.