કોરોનાના કેસ વધતા માસ્ક, સેનેટાઈઝ, ઈમ્યુનિટી અને શ્વાસની દવાઓના વેચાણમાં 20 ટકાનો વધારો
અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ ઘણા લોકોને ફળ્યો હતો. એટલે કે, માસ્ક,સેનીટાઈઝ, ઈમ્યુનિટી દવાઓ વગેરેના વેચાણમાં વધારો થતાં ના વેપારીઓને ફાયદો થયો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાથી સંક્રમણથી બચાવમાં અસરકારક માસ્ક, સેનીટાઈઝર તથા રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓના વેચાણમાં ફરી જોરદાર વધારો શરૂ થઈ ગયો છે.
ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં દરરોજ 15 લાખ ડીસ્પોઝેબલ માસ્ક તથા 4 લાખ એન-95 માસ્કનું વેચાણ થવા લાગ્યું છે, જે ઓકટોબર કરતા ડબલ છે. ઓમિક્રોન વધુ ચેપી હોવાથી અને ઝડપભેર ફેલાતો હોવાના કારણોસર લોકો સાવધ બન્યા છે. કેટલાક વખતથી લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધુ હતું તે ફરી પહેરવા લાગ્યા છે.
આ જ રીતે સ્કુલો-શૈક્ષણિક સંસ્થાઓ સંપૂર્ણ ખુલ્લી ગયા હોવાથી બાળકોને માસ્ક પહેરાવવા માટે પણ ખરીદી વધી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન નવા કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. બુધવારે 584 નવા કેસ નોંધાયા હતા. ઓમિક્રોનનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. માસ્ક ઉપરાંત સેનીટાઈઝર તથા ઈમ્યુનીટી વધારાની દવાઓના વેચાણમાં સરેરાશ 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. શ્વાસની બિમારીને લગતી દવાનું વેચાણ પણ 19 ટકા વધ્યુ છે.
શહેરી વિસ્તારોમાં લોકો કોરોનાને લીધે વધુ સાવચેત બની રહ્યા છે. એટલે લોકો સ્વયંભૂ માસ્ક પહેરવા લાગ્યા છે. સેનેટાઈઝનો વપરાશ પણ વધ્યો છે. જો કે ગામડાંમાં હજુ કોરોનાને લઈને લોકોમાં જાગૃતી જોવા મળતી નથી. ગામડાંઓ કોરોનાના કેસ જોવા મળતા નથી. મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યો છે. (file photo)