દિલ્હીમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, પ્રતિબંધો ફરીથી લાગી શકે છે
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેનાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો પરિસ્થિતિ કન્ટ્રોલમાં નહીં આવે તો કેટલાક પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. એનસીઆરની શાળાઓમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો જરૂર પડશે તો શાળાઓ માટે એસઓપી જારી કરવામાં આવશે. શિક્ષણ નિર્દેશાલયે તમામ ખાનગી શાળાઓને જો કોરોનાનો મામલો સામે આવે તો શાળાઓ બંધ કરવા જણાવ્યું છે. શાળામાં દરેક વ્યક્તિ માસ્ક પહેરે તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે. તેમજ સામાજિક અંતર જાળવવા અપીલ કરાઈ છે.
રાજધાનીમાં કોરોનાના કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) 20 એપ્રિલે બેઠક કરશે. આમાં, સંક્રમણ અટકાવવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવશે. દિલ્હીમાં એક સપ્તાહમાં સંક્રમણનો દર 0.5 ટકાથી વધીને 2.70 ટકા થઈ ગયો છે. જો કે, ડોકટરો કહે છે કે, ગભરાવાની જરૂર નથી કારણ કે દરરોજ નવા કેસોની સંખ્યા ઘણી ઓછી છે. ડીડીએમએ આ મહિનાની શરૂઆતમાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ દંડ પાછો ખેંચી લીધો હતો. સાથે જ તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા હતા.
દિલ્હીના શિક્ષણ નિર્દેશાલયે રાજધાનીની શાળાઓને ચેતવણી આપી છે. ડિરેક્ટોરેટે તમામ ખાનગી અને સરકારી મદદ મેળવતી શાળાઓને કોરોના સંક્રમણને રોકવા માટે તમામ સંભવિત પગલાં લેવા જણાવ્યું છે. જો કોઈ પણ શાળામાં કોવિડનો કોઈ કેસ પ્રકાશમાં આવે તો તરત જ નિર્દેશાલયને જાણ કરવી જોઈએ. તેમજ શાળા થોડા સમય માટે બંધ રાખવી જોઈએ. અથવા જ્યાં કેસ જોવા મળે તે શાખાને બંધ કરી દેવી જોઈએ. શાળાઓ માટે જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે માસ્ક પહેરવા જોઈએ. બને એટલું સામાજિક અંતર જાળવો.