કોરોનાને લીધે કોમર્શિયલ અને રિયલ પ્રોપર્ટીમાં વ્યાપક મંદીઃ પ્રોપર્ટીના ભાડામાં પણ થયો ઘટાડો
અમદાવાદઃ કોરોનાને લીધે ઉદ્યોગ- ધંધાને ખૂબ માઠી અસર પહોંચી છે. જેમાં રિયલ એસ્ટેટ પણ બાકાત નથી. કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટી માર્કેટમાં પણ ફરી મંદી આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે પહેલી લહેર બાદ ઓગસ્ટથી માર્ચ વચ્ચે માર્કેટ સામાન્ય બન્યું હતું એવામાં કોરોનાનો સેકન્ડ વેવ આવતાં ઘણા સેક્ટર્સમાં મંદી આવી છે અને એને કારણે કોમર્શિયલ પ્રોપર્ટી ખાલી થવા લાગી છે તેમજ ભાડાંમાં પણ 10-15 ટકા જેવો ઘટાડો થયો છે.
રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બ્રોકરોના કહેવા મુજબ ઘણી કંપનીઓની વધારે મોટી જગ્યામાં ઓફિસમાં હતી, તેઓ હવે 2000-2500 સ્ક્વેર ફૂટની ઓફિસમાં શિફ્ટ થઈ રહી છે. ખાસ કરીને IT કંપનીઓમાં આ ટ્રેન્ડ વધારે છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે સ્ટાફ ઘણો ઘટી ગયો છે એટલે હવે તેઓ નાની ઓફિસ સ્પેસ પ્રિફર કરે છે. રિટેલ પ્રોપર્ટીમાં તો હાલત ઓર ખરાબ છે. લોકડાઉન દરમિયાન ભાડા નહોતા અપાયા અને રેસ્ટોરાં સેક્ટર્સમાં આવેલી મંદીના કારણે રિટેલમાં અત્યારે 40 ટકાની આસપાસ પ્રોપર્ટી ખાલી પડી છે. અન્ય એક બ્રોકરના કહેવા મુજબ બિઝનેસ બધા ધીમા છે અને એેને કારણે લોકો કોસ્ટ કટિંગ કરી રહ્યા છે. રિટેલમાં હાલત ખરાબ છે એટલે નાના રિટેલર્સ ભાડાંમાં પણ વાટાઘાટો કરીને ઘટાડો કરવી રહ્યા છે, જેને કારણે અમદાવાદ શહેરના બોપલ, સેટેલાઈટ, સિંધુભવન, SG હાઇવે, બોડકદેવ, પ્રહલાદ નગર જેવા વિસ્તારોમાં ભાડાંમાં 10-15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમુક કેસમાં 20-25 ટકા સુધીનો ઘટાડો પણ થયો છે. અત્યારે રેસ્ટોરાં તેમજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળાને વધુ તકલીફ છે. કોવિડને લગતા નિયમો થોડા હળવા થયા છે તેમ છતાં હજુ કોઈ નવી ઇન્ક્વાયરી શરૂ થઈ નથી. પરિસ્થિતિ થોડી સામાન્ય બને એના માટે લોકો રાહ જોઈ રહ્યા છે. રેસ્ટોરાં બિઝનેસમાં સૌથી વધુ અસર થઈ છે એટલે 2000 સ્ક્વેર ફૂટથી મોટી પ્રોપર્ટી વધારે ખાલી છે. મોટી શોપ્સ અને ઊંચા ભાડા હતા એવી પ્રોપર્ટી વધારે ખાલી થઈ છે. આમાં પણ જેમને છેલ્લાં 3-4 વર્ષમાં જેમણે બિઝનેસની શરૂઆત કરી છે તેમને વધારે અસર થઈ છે. જોકે અમને આશા છે કે જૂન એન્ડ અથવા જુલાઈથી રિકવરી શરૂ થશે
પ્રોપર્ટી માર્કેટ સાથે સંકડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે ઈકોનોમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા પ્રોપર્ટી ઓનર્સે લોકડાઉન પિરિયડનાં ભાડાં નહોતા લીધા અને ત્યાર બાદના અમુક મહિનાઓ સુધી ભાડાંમાં 50 ટકા જેવો ઘટાડો કર્યો હતો, પરંતુ આ વર્ષે આવું કરનારાનું પ્રમાણ ઘણું નીચું છે. અમુક લોકોએ પાછલા 2 મહિનાના ભાડા જતા કર્યા છે પણ રેન્ટને લઈને બાંધછોડ કરવા બહુ ઓછા ઓનર્સ તૈયાર થઈ રહ્યા છે. થોડા સમય માટે ઓછું ભાડું અથવા 15-20 ટકા રેન્ટ ઘટાડનારા બહુ ઓછા છે. આ જ કારણોથી ઘણી કંપનીઓ અન્ય જગ્યા પર શિફ્ટ થઈ રહી છે