દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. કોરોનાને પગલે વેપાર-ધંધાને વ્યપક અસર થઈ છે. તેમજ અનેક લોકોએ રોજગારી પણ ગુમાવી છે. આવી પરિસ્થિતિને કારણે અનેક લોકો માનસિક તણાવનો ભોગ બન્યાં છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 20 કરોડ લોકો તણાવનો શિકાર બન્યાં છે. આવી સ્થિતિમાં માનસિક રોગોને કવર કરતી વીમા પોલિસી લોકો માટે કંપનીઓ રજૂ કરી રહી છે.
નિષ્ણાંતોના મતે આવી બીમારીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાની જર પડતી નથી. તેવામાં વીમા પોલિસીમાં ઓપીડીમાં થતી સારવાર કવર થાય તેવી પોલિસી લેવી જોઈએ. વિવિધ રોગના કારણે થતા ડીપ્રેશનની સ્થિતિમાં કોમ્પ્રહેંસિવ વીમા પોલિસી તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે.
જો કે વીમા કંપનીઓ કેટલાક કેસમાં માનસિક બીમારી માટે કવર આપવાનો ઈનકાર કરે છે. તેવામાં ઈરડાના દિશા-નિર્દેશ અનુસાર માદક પ્રદાર્થના સેવનથી થતા માનસિક તણાવની સ્થિતિ વીમા કંપની કવર આપતી નથી.
એપ્રિલ 2017 સુધી માનસિક બીમારી માટે વીમો મળતો ન હતો. 2017માં માનસિક હેલ્થકેર કાયદો પસાર થયો અને જે 2018માં અસ્તિત્વમાં આવ્યો. આ કાયદાની કલમ અનુસાર વીમા કંપની અન્ય બીમારીઓની જેમ માનસિક બીમારી માટે પણ ઈંસ્યોરન્સ કવરની સુવિધા આપશે. ત્યારબાદ ઈરડાએ પણ વીમા કંપનીઓને આ નિર્દેશ કર્યા હતો. 30 નવેમ્બર 2019માં જે ઈરડાની ગાઈડલાઈન જાહેર થઈ તેમાં માનસિક બીમારી, ટેન્શન, મનૌવૈજ્ઞાનિક બીમારી, મગજના વિકાસ સંબંધિત બીમારીને પણ જોડવામાં આવી.