Site icon Revoi.in

કોરોના સંકટઃ અમદાવાદ શહેરમાં હવે AMTS-BRTS બસ 50 ટકા ક્ષમતા સાથે દોડશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને પણ કોરોનાની ગાઈડ લાઈનનું લોકો ચુસ્તતાથી પાલન કરે તેની તાકીદ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મ્યુનિ.ના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં હવે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે.

અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. આ દરમિયાન તમામ મુસાફરોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. આ સિવાય જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બસમાં પ્રવાસ કરવા દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના સંક્રમણમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે, તેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં એવા ઘણા લોકો છે જેણે હજુ સુધી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. પરંતુ હવે જે લોકોએ વેક્સીનો બીજો ડોઝ લીધો નથી તેને રસી આપવા માટે મ્યુનિએ મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ મનપા કોરોનાની રસીનો બીજો ડોઝ ન લેનારા લોકો માટે પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. જે લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી તેનો ડેટા કોર્પોરેશન દ્વારા પોલીસને સોંપવામાં આવશે. ત્યારબાદ પોલીસ આ લોકોને બીજો ડોઝ લેવા માટે ફોન કરશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોરોના સંક્રમણને અટકાવવા માટે રસી લેવી ખુબ જરૂરી છે. પરંતુ અમદાવાદ શહેરમાં આશરે છ લાખ જેટલા લોકો એવા છે જેણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે, પરંતુ બીજો ડોઝ લીધો નથી. હવે મનપા પોલીસની મદદ લેશે. અમદાવાદ કોર્પોરેશનમાં આવતા 7 ઝોન મુજબ આવતા પોલીસ સ્ટેશનમાંથી લોકોને રિમાઇન્ડર કોલ કરવામાં આવશે. પોલીસ આ લોકોને કોલ કરીને રસીનો બીજો ડોઝ લેવા માટે કહેશે.