- અત્યાર સુધીમાં 12 મંત્રીઓને લાગ્યો ચેપ
- આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક મંત્રી અને ધારાસભ્યો પણ સંક્રમિત થયાં છે. દરમિયાન સીએમ ઠાકરેના વધુ એક મંત્રી કોરોનાની ઝપટે ચડ્યાં છે. એટલું જ નહીં શિવસેનાના સાંસદ પણ સંક્રમિત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 12 જેટલા મંત્રી કોરોના સંક્રમિત થયાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી અને શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતને કોરોના સંક્રમિત થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા નેતાઓને કોરોના સંક્રમિત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રાજ્યના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. આ યાદીમાં મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતનું નામ જોડાઈ ગયું છે.
એકનાથ શિંદે રાજ્ય કેબિનેટમાં શહેરી વિકાસ મંત્રી અને થાણે જિલ્લાના પાલક મંત્રી છે. અરવિંદ સાવંત કેન્દ્રમાં શિવસેનાના ક્વોટામાંથી મંત્રી રહી ચૂક્યા છે. ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટતાં તેમણે રાજીનામું આપ્યું હતું. હાલમાં તેઓ શિવસેનાના સાંસદ છે અને સંજય રાઉત સાથે પાર્ટીના મુખ્ય પ્રવક્તા છે. આ સિવાય એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેનાના વરુણ દેસાઈ, ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકર 24 કલાકમાં કોરોના સંક્રમિત જોવા મળેલા નેતાઓમાં સામેલ છે.