ટોક્યો ઓલિમ્પિક્સ ઉપર કોરોનાનું સંકટઃ સ્પોર્ટ્સ વિલેજમાં કોરોનાનો કેસ નોંધાયો
- તા. 23મી જુલાઈથી ઓલિમ્પિક્સ ગેમ્સનો થશે પ્રારંભ
- કોરોનો કેસ સામે આવતા આયોજકો ચિંતામાં મુકાયાં
દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. બીજી તરફ હવે ટોક્યો ઓલિમ્પિક ઉપર પણ કોરોનાના સંકટના વાદળો ઘેરાયાં છે. 23મી જુલાઈની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું તે પૂર્વે જ સ્પોર્ટ્સ વિલેઝ સંકુલમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ આપી છે કે સ્પોર્ટ્સ વિલેજ સંકુલમાં કોરોનાનો કેસ નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટોક્યો ઓલિમ્પિક માટે ભારત, ચીન, અમેરિકા સહિતના દેશના ખેલાડીઓ હાલ તૈયારી કરી રહયાં છે. કોવિડ -19 વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને ટોક્યોમાં 6 અઠવાડિયાની કોરોના કટોકટી લાગુ છે. દરમિયાન સ્પોર્ટ્સ વિલેઝમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. તેમજ ઓલિમ્પિકના સંગઠન પર ઘણા પ્રશ્નો ઉભા થયા છે. જો છેલ્લા કેટલાક દિવસોમાં જોવામાં આવે તો, ટોક્યોમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ટોક્યોમાં કોરોનાની અસર વધારે ન આવે તે માટે જાપાની સરકારે તમામ જરૂરી પગલાં લીધાં છે. તેમ છતા સ્પોર્ટ્સ વિલેજમાં પોઝિટિવ કેસ આવતા આયોજકોની ચિંતા વધી છે. ઘણા નિષ્ણાતોએ કોરોના વચ્ચેની રમતોના સંગઠનને જોખમી ગણાવ્યું છે. શુક્રવાર સુધીમાં, ટોક્યોમાં 1271 નવા કેસ નોંધાયા હતા.