- નવા વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોનમાં મુકાયાં
- 52 વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોનમાંથી મુક્તિ
- હાલ શહેરમાં 111 વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોનમાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ સરેરાશ 10 હજાર કરતા વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સૌથી વધારે અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેને કારણે અમદાવાદમાં નવા 16 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે પહેલા કરતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 52 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. એક દિવસ પહેલા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 147 હતી. જો કે, 52 વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 111 થઈ છે. શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓની યોગ્ય સારવાર મળી રહે તેવુ મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મનપાના ધનવંતરી રથોને માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં દોડાવવામાં આવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. મનપા દ્વારા પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી તેજ બનાવવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ પણ ઉભા કરાવામાં આવ્યાં છે.