અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાને માથુ ઉચક્યું છે. રાજ્ય છેલ્લા પોણા બે વર્ષથી કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે. મેગાસિટી અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યાં છે. હાલ ફરી એકવાર અમદાવાદ શહેરમાં કોરોનાએ માથુ ઉચક્યું હતું. દરમિયાન અમદાવાદમાં 21 મહિનાના સમયગાળામાં 18 વર્ષતી ઓછી ઉંમરના 17730 જેટલા બાળકો કોરોનાથી સંક્રમિત થયાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 2.32 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 17730 બાળકો કોરોનાથી સંક્રમિત થયાં હતા. આ ઉપરાંત 5થી 18 વર્ષની વય વચ્ચેના 14171 બાળકો અને 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 3559 બાળકોને કોરોનાનો અત્યાર સુધી ચેપ લાગ્યો છે. બીજી તરફ 18થી 44 વર્ષના 1.10 લાખ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરમાં 1.36 લાખ પુરુષ અને 96 હજાર મહિલાઓ કોરોના સંક્રમિત થયાં હતા. કેટલા બાળકોને કોરોના થયો તેના આંકડા તપાસવા AMC ના હેલ્થ વિભાગે હાથ ધરેલી કામગીરીમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. સર્વેમાં 5 વયજૂથ પ્રમાણે કોરોના દર્દીઓની ગણતરી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ 18થી વધારે વિદ્યાર્થીઓ સંક્રમિત થયાં હતા. એટલું જ નહીં આ શહેરોમાં બે શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને વધારે અસર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સ્કૂલના બાળકો પણ સંક્રમિત થતા વાલીઓમાં પણ ભય ફેલાયો છે. તેમજ સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો બંધ કરીને માત્ર ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.
(Photo-File)