Site icon Revoi.in

કોરોના સંકટઃ બોટાદના આ ગામમાં 100 ટકા રસીકરણથી ગ્રામજનોને કરાયાં સુરક્ષિત

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના સામે માત્ર વેક્સિન જ રામબાણ ઈલાજ છે. જેથી રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 2500થી વધારે કેન્દ્રો ઉપર રસીકરણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બોટાદના અમીયાળી કસ્બાતી ગામમાં 100 ટકા રસીકરણ કરીને ગ્રામજનોને કોરોના સામે રક્ષણ પુરુ પાડવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણથી સુરક્ષિત થવા તેમજ સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસી એ જ એકમાત્ર સંજીવની જડીબુટ્ટી રૂપી ઈલાજ છે. કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની વિસ્ફોટક પરિસ્થિતિને પહોચી વળવા અસરકારક રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. બોટાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- નાગનેશ માં સમાવિષ્ટ પેટા કેન્દ્રો ખાતે રસીકરણ કામગીરી માટે જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. 100 ટકા રસીકરણયુક્ત ગામની સંકલ્પનાને સાકાર કરવા રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામ ખાતે મતદાર યાદી મુજબની  સંખ્યા અને ઘર સર્વે કરી રસીપાત્ર નાગરિકોની સંકલિત અદ્યતન યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી મુજબ વોર્ડ વાર રસીકરણ કાર્યક્રમો માટે સરપંચ શાંતુબેન ભીમાભાઇ બલોળીયા તથા આગેવાનો સાથે વ્યૂહાત્મક આયોજન સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.

તેમજ રસીકરણ અન્વયેની ગેરમાન્યતાઓ તથા અફવાઓ માટે સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનોને સાથે રાખી રુબરુ મુલાકાત કરી જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યાં હતા. નોડલ અધિકારી પ્રશાંત ત્રિવેદી દ્રારા નવતર અભિગમ અને સર્જનાત્મક કાર્યપધ્ધતિ અપનાવી રસીકરણ મહા અભિયાનની ઉજવણીમાં ગામના તમામ નાગરિકો હર્ષ અને ઉત્સાહ સાથે સામેલ થઈ 100 ટકા રસીકરણ થકી અન્ય ગામ માટે પ્રેરણા બને તેવા સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધર્યાં હતા. તમામ વયજૂથના રસીપાત્ર એકંદર આશરે કુલ 1118 પૈકી 1112 નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મેળવી ગામને કોરોનામુકત કરવાની પ્રતિબદ્ધતાને 100 ટકા સિદ્ધ કરી પોતાની જવાબદારી નિભાવી હતી.