Site icon Revoi.in

કોરોના સંકટઃ વડોદરા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગમાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ કરાયાં ટેસ્ટ

Social Share

અમદાવાદઃ કોરોના નું સંકટ પૂરેપૂરું શમ્યું નથી ત્યાં તો બ્લેક ફંગસ નામના રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા લગભગ સવા વર્ષ કરતાં વધુ સમય થી આ બંને પડકારોમાં બરોડા મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોએ સંકલિત રીતે અને અવિરત,ખૂબ ઉમદા આરોગ્ય સેવાઓ દ્વારા દર્દીઓની જીવનરક્ષા કરી છે.

બરોડા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગે ખૂબ ઉમદા યોગદાન આપ્યું છે. તબીબી અધિક્ષક ડો.રંજનકૃષ્ણ ઐયર અને મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકર ના માર્ગદર્શન અને વિભાગના વડા ડો.સ્મિતા પટેલના નેતૃત્વ હેઠળ આ વિભાગે, આ બંને રોગોની સચોટ સારવાર નિર્ધારિત કરવામાં વિવિધ પ્રકારના પરીક્ષણો તાકીદના ધોરણે કરી ખૂબ ઉમદા મદદ કરી છે. આ વિભાગની ઉમદા કામગીરીમાં ડો.એમ.પી.દિઘે અને ડો.શ્રીલક્ષ્મી હિરયુર નું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે.

આ વિભાગે છેલ્લા એક વર્ષ દરમિયાન સંભવિત કોરોના ના અંદાજે 30 હજાર થી વધુ દર્દીઓની સચોટ સારવારમાં ઉપયોગી અંદાજે દોઢ લાખથી વધુ વિવિધ પ્રકારના ટેસ્ટ કર્યા છે. તેમાં કમ્પલિટ બ્લડ સેલ કાઉન્ટ, પેરિફેરલ સ્મિયર, બોડી ફ્લુઇડ અને કો ઓગ્યુલેસન ટેસ્ટ નો સમાવેશ થાય છે.

આ વિભાગમાં કાર્યરત સિનિયર અને જુનિયર તબીબો તેમજ ટેકનીસિયનો એ સતત કામ કરીને કોરોના કટોકટી દરમિયાન કોવિડના દર્દીઓની સારવારની ચોક્કસ રણનીતિ અપનાવવામાં ઉપયોગી થઇ પડે તેવા લેબ રીપોર્ટસ તાત્કાલિક ધોરણે 2 થી 3 કલાકમાં આપ્યા છે.

પેથોલોજી વિભાગના ડો.સ્મિતા પટેલે જણાવ્યું કે, મ્યુકરના સચોટ નિદાન માટે વિભાગની હિસ્ટોપેથોલોજી પ્રયોગશાળાએ 500 થી વધુ બાયોપ્સી પરીક્ષણો કર્યા છે. રોજ રોજ આ કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. વિભાગની હિસ્ટોપેથોલોજી અને સાયટોલોજી લેબ ખાતે સતત કેસોની બાયોપ્સી સ્વીકારી યુદ્ધના ધોરણે બે દિવસમાં પ્રોસેસ કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયામાં 3 થી 4 દિવસ લાગે છે. આવશ્યક કેસોમાં ફંગસ માટેની ખાસ સ્ટેઇન કરી કન્ફર્મ કરવામાં આવે છે.

અત્યંત ગંભીર દર્દીઓનું તાત્કાલિક નિદાન અનિવાર્ય હોય છે. તેને અનુલક્ષીને સાયટોલોજી લેબમાં વિશેષ ઇમ્પ્રીન્ટ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે અને તેના પર સ્પેશિયલ સ્ટેઇન કરી 3 થી 4 કલાકમાં લેબ રિપોર્ટ આપી દેવાય છે. સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયામાં 1 થી 2 દિવસનો સમય લાગી જાય છે.