કોરોના સંકટઃ ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થી થયો સંક્રમિત, સ્કૂલમાં ઓનલાઈન વર્ગો બંધ કરાયાં
- ચાર શહેરોમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે
- વાલીઓમાં ભય ફેલાયો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર શહેરોમાં 10 દિવસમાં જ 18 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. તેમજ બે શિક્ષકો પણ કોરોનાની ઝપટે આવી ચુક્યાં છે. દરમિયાન વડોદરાની વધુ એક સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રિમત થતા ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક સ્કૂલમાં ઓફલાઈન વર્ગો બંધ કરીને ઓનલાઈન વર્ગો ચાલુ રાખવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની જાણીસી સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ખળભળાટ મચી ગયો છે. આ અંગે સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા લોકોના પણ જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યાં છે. બીજી તરફ સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ દ્વારા સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો બંધ કરીને માત્રને માત્ર ઓનલાઈન વર્ગો ચાલુ કરવાની માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 21 ડિસેમ્બરના રોજ કોલેજની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ હતું. જેના પગલે કોલેજ સત્તાવાળાઓ દ્વારા કોલેજનું શૈક્ષણિક કાર્ય એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
(PHOTO-FILE)