ભારતીય ક્રિકેટ ટીમ ઉપર કોરોનાનું સંકટઃ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી થયાં આઈસોલેટ
દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. હાલ બંને દેશના ખેલાડીઓ વચ્ચે ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. દરમિયાન ટેસ્ટના ત્રીજા દિવસે સાંજના સમયે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ પોઝિટિવ આવતા શાસ્ત્રી સેલ્ફ આઈસોલેટ થયા હોવાનું જાણવા મળે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે સાંજના રવિ શાસ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા તેમને આઈસોલેટ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત બોલીંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડીંગ કોચ આર શ્રીધર અને ફિઝીયોથેરાપિસ્ટ નીતિન પટેલ પણ આઈસોલેટ થયાં છે. પોઝિટિવ રિપોર્ટ ફ્લો ટેસ્ટનો છે. તમામ ખેલાડીઓ અને સ્ટાફનો રમત પહેલા અને પછી દરરોજ ટેસ્ટ કરવામાં આવે છે. હજુ આરટીપીસીઆર રિપોર્ટ આવ્યો નથી. દરમિયાન તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમામ ખેલાડીઓ અને અન્ય સ્ટાફના બે-બે ટેસ્ટ કરાયાં છે. જે તમામ નેગેટિવ છે. આ ફ્લો ટેસ્ટ હતા જે દરરોજ કરવામાં આવે છે. હજુ આરટીપીસીઆર રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા પ્રવાસ દરમિયાન શિખર ધવનની આગેવાનીમાં ગયેલી ભારતીય ટીમને પણ કોરોના સંકટને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.