મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022 ઉપર કોરોનાનું સંકટ ઉભું થયું છે. IPLની 15મી સીઝનમાં કોરોનાની એન્ટ્રી થતા ક્રિકેટ પ્રેમીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. દિલ્હી કેપિટલ્સના ફિજીયો પેટ્રીક ફરહાર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેના પરિણામે હાલ સમગ્ર ટીમને ક્વોરન્ટીન કરાઈ છે. ટીમની આગામી મેચ પૂણેમાં રમાવવાની છે. આ માટે ટીમ રવાના થવાની હતી પરંતુ તે પહેલા જ ટીમને હોટલમાં રોકી દેવામાં આવી છે. હાલ તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે બાદ કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકાશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઋષભ પંતની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સ ટીમને આગામી મેચ પંજાબ કિંગ્સ સાથે રમવાની છે. આ મેચ તા. 20મી એપ્રિલના રોજ યોજાશે. આ મેચ માટે દિલ્હીની ટીમ પુણે જવા રવાના થવાની હતી પરંતુ હાલ ટીમને મુંબઈ સ્થિત હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવી છે. તાજેતરમાં જ દિલ્હીની ટીમના ફિજીયો પેટ્રીક ફરહાર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં હતા. પેટ્રીક પછી રેપિડ એન્ટીજન ટેસ્ટમાં દિલ્હીનો એક ખેલાડી પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. હવે તમામ ખેલાડીઓના બે દિવસ સુધી RTPCR ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
ગત IPL સિઝનની શરૂઆત ભારતમાં થઈ હતી. જો કે, કોરોના મહામારીને પગલે 3 મે 2021ના રોજ સિઝન સસ્પેન્ડ કરવામાં આવી હતી. ત્યાં સુધી લીગમાં માત્ર 29 મેચ થઈ હતી. જે બાદ બીસીસીઆઈ દ્વારા બાકી રહેલી મેચોને યુએઈમાં રમાડવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે IPLની 2020 સિઝન પણ યુએઈમાં યોજાઈ હતી. કોરોનાને પગલે તમામ IPL સિઝન બાયો-બબલ મારફતે યોજાય છે.
(PHOTO-FILE)