કોરોના સંકટઃ ચીન સહિતના દેશથી આવતા પ્રવાસીઓના RTPCR રિપોર્ટ ફરજિયાત કરાયો
નવી દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત લહેરની આશંકાએ કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડ તથા હોંગકોંગથી આવતા પ્રવાસીઓનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ જરૂરી છે.
આરોગ્ય વિશેષકોએ જણાવ્યું હતું કે, આગામી 40 દિવસ ભારત માટે મહત્વના રહેવાના છે. જાન્યુઆરીમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાની શકયતા છે. એક અધિકારીએ કહ્યું હતું કે, પૂર્વીય એશિયામાં કોરોનાની દસ્તક બાદ 30થી 35 દિવસ બાદ કોવિડ મહામારીની નવી લહેર ભારતમાં આવી શકે છે. જો કોવિડ મહામારીની નવી લહેર આવે છે તો હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઓછી અને મૃત્યુદર પણ સામાન્ય રહેવાની શકયતા છે.
ચીન સહિતના દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. ચીનમાં હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની જવા નથી, બીજી તરફ દવાઓની અછત સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન ભારત સરકારે કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કર્યું છે. આ ઉપરાંત તાજેતરમાં હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલોને ઓક્સિજન બેડ અને જરૂરી દવાઓનો સ્ટોક રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાના ટેસ્ટ અને રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે.
(PHOTO-FILE)