અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું સંકટ તોડાઈ રહ્યું છે. ભારતમાં ઓમિક્રોનની સાથે ડેલ્ટી વેરિએન્ટના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પોત-પાતાની રીતે નિયંત્રણો લાદવા સૂચના આપી હતી. બીજી તરફ કેસમાં વધારો થતાની સાથે જ ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોના મહામારીને લઈને આકરા નિયંત્રણોના લાદવાની શરૂઆત થઈ ગઈ છે. એટલું જ નહીં દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ સહિતના આઠ શહેરોના રાત્રિ કરફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. આજે રાતના 11થી સવારે 5 કલાક સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે પણ નવી કોવિડ માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ, રાજ્યભરના જાહેર સ્થળોએ રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી 5 થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હોલમાં થતા લગ્નોમાં ફક્ત 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે જ્યારે આઉટડોર લગ્નોમાં 250 થી વધુ લોકો હાજર નહી રહી શકે, જીમ, સ્પા માટે 50% ક્ષમતા રાખવામાં આવી છે.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને હરિયાણા સહિત ઘણા રાજ્યોએ રાત્રિ કર્ફ્યુની સાથે ઘણા નિયંત્રણો લાદવાની જાહેરાત કરાઈ છે. મધ્યપ્રદેશ સરકારે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સરકાર ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં ભાગ ન લેવા માટે સતત અપીલ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવાની સૂચના આપી છે. રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ લાગુ રહેશે.