અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કોરોનાને લીધે યાત્રાધામ અંબાજી, બહુચરાજી સહિત મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ હતા. જે ગઈ કાલથી ખોલવામાં આવ્યા છે. પણ દર્શનાર્થીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા હીલ સ્ટેશન, ગીરનારમાં સિંહ દર્શન, સોમનાથ, તેમજ કચ્છના પ્રવાસન સ્થળો સફેદ રણ, ધોળાવીરા, વગેરે સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા દોઢ મહિનામાં ઘટાડો નોંધાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પરપ્રાંતના પણ અનેક પ્રવાસીઓ આવતા હતા. એમાં ઘટાડો થયો છે. જ્યારે સાપુતારામાં પણ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત કોરોના વાયરસને કારણે સતત ત્રીજા વર્ષે પણ કચ્છના પ્રવાસન ઉદ્યોગને મોટું નુકસાન પહોંચ્યુ છે. ચાલુ વર્ષે જાન્યુઆરી શરૂઆતમાં જ કોરોનાના કેસો વધતા 10 જાન્યુઆરી પછી કચ્છ ના પર્યટન સ્થળો પર પ્રવાસીઓનો ઘટાડો જોવા મળ્યો હતો.
કચ્છના મુખ્ય આકર્ષણ પ્રવાસન સ્થળોમાં ધોળાવીરા, સફેદ રણ, ધોરડો, કાળો ડુંગર, માંડવી, કોટેશ્વર-નારાયણ સરોવર, લખપતનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો પર પ્રવાસીઓની સંખ્યા માં ઘટાડો થયો છે. સામાન્ય રીતે રણોત્સવ દરમિયાન કચ્છના પ્રવાસન સ્થળો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓથી ભરચક જોવા મળે છે. હોટેલ, રિસોર્ટ, ટેન્ટ સિટી ધોરડો પણ મહિનાઓ પહેલાથી બુક થઈ ચૂક્યા હોય છે. પરંતુ કોરોનાના કેસો વધતા આ જાન્યુઆરીમાં ટુરિસ્ટના બુકીંગ નથી આવી રહ્યાં. હાલ સફેદ રણમાં દરરોજ જૂજ જેટલા જ પ્રવાસીઓ જોવા મળે છે. બીજી તરફ સફેદ રણ આસપાસના ખાનગી રિસોર્ટ પણ ખાલીખમ જોવા મળે છે. જેના કારણે કચ્છ પ્રવાસન ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. પ્રવાસન સાથે જોડાયેલા દરેક નાના મોટા વ્યક્તિ અને જૂથને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના પ્રવાસનના ઉદ્યોગથી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. તેમને પણ ફટકો પડ્યો છે. જોકે હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા ફરીવાર પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ધમધમતા થાય તેવી શક્યતા છે.