મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે આઈપીએલને અધ વચ્ચે જ અટકાવવાની ફરજ પડી હતી. દરમિયાન આગામી દિવસોમાં શ્રીલંકામાં ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટ સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, ભારતના પડોશી દેશ શ્રીલંકામાં પણ કોરોનાએ અજગર ભરડો લીધો છે. જેના કારણે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પણ ચિંતામાં મુકાયું છે. તેમજ ભારત-શ્રીલંકા ક્રિકેટ સિરિઝ ઉપર હાલ સંકટના વાદળો ઘેરાયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ આગામી દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે જશે. જુલાઈમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વન-ડે અને 3 ટી-20 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, શ્રીલંકામાં પણ કોરોનાની બીજી લહેરના કારણે પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી આ સિરિઝને ટાળી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. શ્રીલંકાનુ ક્રિકેટ બોર્ડ પણ આ વાતને લઈને ચિંતામાં છે. છેલ્લા એક સપ્તાહમાં શ્રીલંકામાં કોરોનાના 16000 જેટલા નવા કેસ સામે આવી ચુક્યા છે. ગયા વર્ષે ભારત જુન મહિનામાં આ સિરિઝ રમવાની હતી પણ કોરોનાની પહેલી લહેરની વચ્ચે સિરિઝને મુલત્વી કરીને આ વર્ષે રમાડવાનુ નક્કી કરાયુ હતુ પણ ફરી વખત કોરોનાના સંક્રમણને જોતા સિરિઝ પર સંકટના વાદળો ઘેરાયાં છે.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રિમણએ ચિંતા વધારી છે. કોરોના દરમિયાન શ્રીલંકાએ સફળતાપૂર્વક ઈંગ્લેન્ડ સામેની સિરિઝ રમાડી હતી. આમ ભારત સામેની સિરિઝ અમે રમાડી શકીશું. બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે હાલના તબક્કે તો ભારતીય ટીમને શ્રીલંકા મોકલવાનુ નક્કી કરેલુ છે. જોકે આ ટીમમાં કોહલી, રોહિત શર્મા અને ઈશાંત શર્મા તથા જસપ્રીત બુમરાહ સામેલ નહીં થાય.