દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી હાલ રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન આજે સોમવારથી સમગ્ર દેશમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાના અભિયાનનો પ્રારંભ થશે. સમગ્ર દેશમાં આ અભિયાન દરમિયાન 10 કરોડથી વધારે બાળકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. ગુજરાતમાં લગભગ 35 લાખથી વધારે કિશોરોને કોરોનાની રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજ્ય સરકારો દ્વારા રસીકરણ અભિયાનને લઈને તૈયારીઓ પૂણ કરી દેવામાં આવી છે.
કોરોનાના કેસમાં વધારો થતા કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને જરૂરી નિયંત્રણોને લઈને સૂચના આપી છે. દરમિયાન તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના યુવક-યુવતીઓને કોરોનાની રસી આપવાના અભિયાનની જાહેરાત કરી હતી. એટલું જ નહીં 10મી જાન્યુઆરીથી કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝની જાહેરાત કરવામાં આવી હતી. બાળકોના રસીકરણની જાહેરાતને લઈને દિલ્હી સહિત વિવિધ રાજ્યો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 35 લાખથી વધારે બાળકોને સ્કૂલ-કોલેજમાં કોરોનાની રસી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન 1લી જાન્યુઆરીથી નોંધણીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે 3 લાખથી વધારે કિશોરોના રસીકરણ અંગે નોંધણી થઈ હતી. સંતાનોને લઈને માતા-પિતા પણ ચિંતિત છે. છેલ્લા ઘણા મહિનાથી બાળકોની રસીને લઈને માતા-પિતાઓ રાહ જોઈ રહ્યાં હતા. તેમના ઈંતજારનો હવે અંત આવ્યો છે. 15-18 વર્ષની વય જૂથ માટે રસીકરણના સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ શ્રેણીમાં માત્ર ‘કોવેક્સિન’ આપવા જણાવ્યું છે. ભારતમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે રસીકરણનું કામ તેજ થયું છે.
બાળકો માટે કોવેક્સિનની વધારાના ડોઝ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવશે. રસી લેતી વખતે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. કોરોનાનો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા અડધો કલાક રસી કેન્દ્રમાં રહેવું પડશે. આ દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. બાળકોને પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ પછી જ રસીનો બીજો ડોઝ મળશે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બાળકોનું રસીકરણ કરવામાં આવશે. હાલમાં ફક્ત બાળકો માટે જ રસી છે, તેથી બાળકો જે-જે કેન્દ્રો પર કોવૈક્સીનનો ડોઝ ઉપલબ્ધ હશે ત્યાં બાળકોને વેક્સીન લાગી શકશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર, 15 થી 18 વર્ષના બાળકો તેમના શાળાના આઈડી કાર્ડ, અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
ઓમિક્રોનના ખતરાને પગલે અમેરિકા સહિત દુનિયાના લગભગ 40 દેશમાં બાળકોને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ ભારતમાં પણ છેલ્લા કેટલાક મહિનાઓથી બાળકોના રસીની ટ્રાયલ ચાલતી હતી. જો કે, દેશની જનતાનો ઈંતજાર ખતમ થયો છે અને સોમવારથી 2007 પહેલા જન્મેલા બાળકોને પણ કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે.
(Photo-File)