અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવાયું છે. રાજ્યના 18 હજાર ગામડાઓમાંથી લગભગ 13 હજાર ગામમાં 100 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સંપૂર્ણ રસીકરણ માટે હવે માત્ર 71 લાખ લોકોને રસી આપવાની બાકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં જાન્યુઆરી 2021થી રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 4.22 કરોડ લોકોએ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં 94 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં 83 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આરોગ્ય વિભાગે સઘન કોરોના રસીકરણ ઝુંબેશ આદરીને 4.91 કરોડ પ્રથમ ડોઝ અને 1. 92 લાખ કરોડનો બીજો ડોઝ મળીને કુલ 6. 14 કરોડ ડોઝ આપ્યા છે. પ્રતિ દસ લાખ વેક્શિનેશનમાં પણ બંને ડોઝ મળીને ગુજરાતમાં 6.23 લાખ વેક્શિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.
રાજયના કુલ 18,215 ગામ પૈકી 13788 ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. રાજયના જિલ્લાઓમાં કુલ મળીને 82.7 ટકા તેમજ કોર્પોરેશન વિસ્તારોમાં 93.9 ટકાને પ્રથમ ડોઝ અપાઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ બાદ રાજ્યમાં કોરોનાની રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. લોકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ પણ વેક્સિન આપવાની સુવિધા ઉભી કરી હતી.