Site icon Revoi.in

કોરોના મહામારીઃ બોટાદ જિલ્લાના 11 ગામોમાં 100 ટકા રસીકરણ

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. 2500થી વધારે હોસ્પિટલ અને કેન્દ્રો ઉપર 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન બોટાદ જિલ્લાના 11 ગામના 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવ્યાં છે. આ ગામોમાં 100 ટકા રસીકરણ થતા ગ્રામજનો કોરોનાથી સુરક્ષિત બન્યાં છે.

કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહેવા તેમજ સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસી એ જ એકમાત્ર સંજીવની ઇલાજ છે. કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા અસરકારક રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત કલેક્ટર તુષાર સુમેરાના નેતૃત્વ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસીકરણ કામગીરી માટે બોટાદ જિલ્લાના વર્ગ-1 અને વર્ગ -2 ના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. સો ટકા રસીકરણયુક્ત બોટાદની સંકલ્પનાને સાકાર કરવા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર, ઉગામેડી, રતનપર અને રાયપર, બોટાદ તાલુકાના નાગલપર અને કુંભારા ગામ તથા બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, ટીંબલા, રામપરા અને બેલા ગામ ખાતે ઘરનો સર્વે કરી રસીપાત્ર નાગરિકોની સંકલિત અદ્યતન યાદી તૈયાર કરી રસીકરણ કાર્યક્રમો માટે સરપંચ તથા આગેવાનો સાથે બેઠક કરી કરી હતી. તેમજ રસીકરણ અન્વયેની ગેરમાન્યતાઓ તથા અફવાઓ માટે સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનોને સાથે રાખી રુબરુ મુલાકાત કરી જાગૃતિ કાર્યક્રમો હાથ ધરી 11 ગામોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.