દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થયું હોય તેમ એક જ દિવસમાં જ 90 હજારથી વધારે કેસ સામે આવ્યાં છે. જેને લઈને દેશના વિવિધ રાજ્યોમાં પ્રતિબંધની શરૂઆત થઈ ચુકી છે. અનેક રાજ્યોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ દિલ્હીમાં તાજેતરમાં વીકએન્ડ કરફ્યુની જાહેરાત કરી હતી. હવે હરિયાણાના 11 જિલ્લાને કોરોનાને લઈને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આવશ્યક સેવાઓને છોડીને તમામ દુકાનો, મોલ અને બજાર સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજુરી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના પંચકુવા, ગુરુગ્રામ, ફરીદાબાદ, અંબાલા, સોનીપત, કરનાલ, પાનીપત, કુરુક્ષેત્ર, યમુનાનગર, રોહતક અને ઈઝ્ઝર જિલ્લામાં નવા પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. દરરોજ પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ નાખવામાં આવ્યાં છે. આ જિલ્લાઓમાં સિનેમાઘર, થિયેટર અને મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. આ ઉપરાંત સ્પોર્ટસ કોમ્પલેક્સ, સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલ બંધ રહશે.
11 જિલ્લામાં તમામ ઈન્ટરટેનમેન્ટ પાર્ક અને બિઝનેશથી બિઝનેશ એક્ઝિબીશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યાં છે. આ તમામ જિલ્લાઓમાં જરૂરી સેવા છોડીને સરકારી અને પ્રાઈવેટ સંસ્થાઓના કાર્યાલયોમાં 50 ટકા સ્ટાફને કામ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ટોરેન્ટ 50 ટકા સિટીંગ ક્ષમતા સાથે ચાલશે. પ્રતિબંધ 12મી જાન્યુઆરી સવારે 5 કલાક સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે.
હરિયાણાના મુખ્ય સચિવ સંજીવ કૌશલએ જણાવ્યું હતું કે, મહામારી એલર્ટ સુરક્ષિત હરિયાણાના નવા આદેશ જાહેર કર્યાં છે. અંતિમ સંસ્કાર અને લગ્ન સમારોહમાં ક્રમશ 50 અને 100 લોકોથી વધારે લોકો ઉપસ્થિત રહી શકશે નહીં. તેમજ કોવિડ પ્રજાએ પણ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.