કોરોના મહામારીઃ અમદાવાદમાં સરકારી અને ખાનગી લેબમાં 26.5 લાખ કોરોના ટેસ્ટ થયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવામાં આવતા હતા. દરમિયાન અત્યાર સુધીમાં અમદાવાદની સરકારી અને ખાનગી લેબમાં લગભગ 26.5 લાખ ટેસ્ટ થયાં છે. આમ અમદાવાદીઓએ કોરોના ટેસ્ટ પાછળ એક અંદાજ અનુસાર લગભગ 150 કરોડથી વધારેનો ખર્ચ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કોઈ પણ ચાર્જ લીધા વિના કરવામાં આવતો હતો. જ્યારે ખાનગી લેબોરેટરીએ આરટીપીસીઆર ટેસ્ટિંગનો શરૂઆતમાં રૂ. 4500 ચાર્જ વસૂલ્યો હતો, ત્યારબાદ સમયાંતરે ચાર્જ ઘટતા હાલ 300 રૂપિયા સુધી પહોંચ્યો છે. અમદાવાદ શહેરની 28 ખાનગી લેબને ટેસ્ટિંગની મજૂરી મળી હતી. સરકારી લેબોરેટરીની સરખામણીએ ત્રણ ગણા લોકોએ ખાનગી લેબોરેટરીના રિપોર્ટ ઉપર ભરોસો મુક્યો હતો. આ હિસાબે ખાનગી લેબોરેટરીમાં ત્રણ ગણા વધુ ટેસ્ટિંગ થયા હતા. 19 લાખ જેટલા લોકોએ ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો હતો જ્યારે 7.5 લાખ લોકોએ સરકારી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં ડોમ ઉભા કરીને તથા વિવિધ સોસાયટીઓમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતો. ટેસ્ટ દરમિયાન પોઝિટિવ આવે તો આવા દર્દીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતો હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન શહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેથી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
(PHOTO-FILE)