કોરોનાની બાળકોના અભ્યાસ ઉપર અસરઃ 37 ટકા જેટલા ગ્રામીણ વિદ્યાર્થીઓને શિક્ષણની નથી થતી ઈચ્છા, સર્વેમાં ખુલાસો
દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના અભ્યાસને થઈ છે. કોરોના મહામારીને પગલે દોઢ વર્ષ જેટલા સમયથી અનેક બાળકોએ સ્કૂલનો રૂમ પણ જોયો નથી. તેમનું અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ અનેક રાજ્યોમાં હવે ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં 37 ટકા જેટલા બાળકોને હવે અભ્યાસમાં રસ નથી. એટલું જ નહીં 48 ટકા બાળકો થોડાક શબ્દો સિવાય વધુ વાંચી શકતા નથી.
ઇમરજન્સી રિપોર્ટ ઓન સ્કૂલ એજયુકેશન નામના સર્વેમાં 1400 પછાત વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતાં. આ સર્વે 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં જે સમયે સર્વે હાથ ધરવામાં આવ્યો તે સમયે 28 ટકા જ બાળકો જ નિયમિત શિક્ષણ લઇ રહ્યાં હતાં. 37 ટકા બાળકો જરા પણ ભણી રહ્યાં ન હતાં. આ સર્વેમાં બાળકોના વાંચવાની પણ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી 50 ટકા બાળકો થોડાક શબ્દાથી વધારે વાંચી શકતા ન હતાં.
સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે ક શહેરોમાં નિયમિત ભણતા વિદ્યાર્થીઓનું પ્રમાણ 47 ટકા, જરા પણ ન ભણતા વિદ્યાર્થીઓેનું પ્રમાણ 19 ટકા અને થોડાક શબ્દોથી વધુ શબ્દો ન વાંચી શકતા વિદ્યાર્થીઓનું પ્રમાણ 42 ટકા છે. ઓનલાઇન નિયમિત ભણતા વિદ્યાર્થીઓનું પ્રમાણ શહેરોમાં 24 ટકા છે જ્યારે ગામોમાં ફક્ત 8 ટકા છે. નાણાની અછત, કંગાળ નેટવર્ક, સ્માર્ટ ફોનનો અભાવ જેવા પરિબળો ઓનલાઇન શિક્ષણમાં અવરોધ ઉભા કરી રહ્યાં છે. ગ્રામીણ વિસ્તારોમાં 50 ટકાથી વધુ બાળકો પાસે સ્માર્ટફોન નથી. આસામ, બિહાર, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતના ૧૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સર્વે કરાયો હતો.