અમદાવાદઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને પગલે સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગુજરાત સરકારે નવા વેરિયેન્ટને પગલે એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં મહાનગરપાલિકાએ વિદેશથી આવેલા 51 પ્રવાસીને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને 51 પ્રવાસીઓની યાદી મોકલવામાં આવી છે. દરમિયાન મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રવાસીઓને ટ્રેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવી ગાઇડલાઈન મુજબ એરપોર્ટ પર સ્ક્રીનીંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે નોટીફાઇડ કરવામાં આવેલા 13 દેશોમાંથી આવતા પ્રવાસીઓના ફરજિયાત ટેસ્ટ કરવામાં આવશે. જો કોઇ વ્યક્તિ પોઝિટિવ આવશે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવતાં 14 દિવસ માટે હોમ કવોરન્ટાઈન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના નવા વેરિએન્ટના પગલે ભારત સરકાર ચિંતિત છે અને દેશમાં વેરિએન્ટ ના ફેલાય તે માટે કવાયત શરૂ કરી છે. જેથી એરપોર્ટ ઉપર આવતા વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. તેમજ આફ્રિકન દેશથી આવેલા પ્રવાસીઓને શોધવાની કવાયત શરૂ કરી છે.