અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. હવે કોરોનાની અસર સરકારી તીજોરી ઉપર જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે. સુરતમાં મહાનગરપાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઇ ગઈ છે. જેના કારણે વિકાસના કામોને અસર પડી હોવાનું જાણવા મળે છે. તેમજ અનેક પ્રોજેક્ટ હાલ બંધ હાલતમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે સુરત મનપાની આવકમાં સતત ઘટીડો થયો છે. બીજી તરફ વિવિધ પ્રોજેક્ટના ખર્ચને કારણે મનપાની તિજોરીને પણ અસર પડી છે. જેથી આગામી દિવસોમાં મનપાના વિકાસ કાર્યો પર તેની પ્રતિકૂળ અસર થાય તો નવાઇ નહીં. મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાણીસંગ્રહાલય, એક્વેરિયમ, અને સાયન્સ સેન્ટર સહિતના પ્રોજેક્ટ બંધ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. 14 મહિનામાં ગણ્યાગાંઠ્યા દિવસો પૂરતા જ આ પ્રોજેક્ટ ખુલ્યા હતા. જેના કારણે તેની સીધી અસર મહાનગર પાલિકાની આવક પર પણ જોવા મળી છે.
કોરોના પહેલા દર વર્ષે કરોડો રૂપિયા રળી આપતા આ પ્રોજેક્ટ હવે મુલાકાતીઓના અભાવે પાલિકાને આવક રળી આપવામાં નિષ્ફળ નીવડયા છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં છ ઓડિટોરિયમ બનાવવામાં આવ્યા હતા. જે નાગરીકો અને સંસ્થાઓને ખાનગી ઉપયોગ માટે ભાડે આપીને મનપા દર વર્ષે 4 થી 5 કરોડ રૂપિયાની આવક રળતું હતું. પરંતુ કોરોનાની મહામારીમાં તમામ ઓડિટોરિયમ પણ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે.