Site icon Revoi.in

કોરોના મહામારીઃ વિદેશમાં લગભગ 3570 ભારતીયોના કોરોનાને કારણે થયાં મોત

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીમાં લાખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. વિદેશમાં વસવાટ કરતા 3500થી વધારે ભારતીયોના કોરોના સંક્રમણના કારણે મોત થયાં હતા. જો કે, વિદેશમાં ફસાયેલા 61 લાખ નાગરિકોને ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ઘરે પરત લાવવામાં આવ્યાં હતા.

રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 30 એપ્રિલ 2021 સુધીમાં કુલ 60,92,264 ભારતીયો દેશમાં પાછા ફર્યા છે. ગયા વર્ષે શરૂઆતમાં જ્યારે કોરોના રોગચાળો ચીનની બહાર ફેલાવા લાગ્યો હતો, ત્યારે વિશ્વના મોટાભાગના દેશોએ કડક લોકડાઉન અને પ્રતિબંધો જાહેર કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, વિશ્વના ઘણા દેશોમાં લાખો ભારતીયો ફસાઈ ગયા. સરકારે તેમને પાછા લાવવા માટે ‘વંદે ભારત મિશન’ શરૂ કર્યું હતું અને વિશ્વના વિવિધ ખૂણામાંથી વિશેષ વિમાનો દ્વારા લોકોને પરત લાવવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે 3500થી વધુ ભારતીય નાગરિકો વિદેશમાં કોરોના ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. વિદેશમાં સ્થિત મિશન અને પોસ્ટ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 3570 ભારતીયો વિદેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.