કોરોના મહામારીઃ કોવિડ-19ની વેક્સિનની કિંમતમાં કરાયો ઘટાડો
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોવિડ-19 રસીની પ્રિકોશન ડોઝ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. મંત્રાલયે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ, જેમને રસીનો બીજો ડોઝ નવ મહિના પહેલા લીધો હશે તેમને પ્રિકેશન ડોઝ આપવામાં આવશે. આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક દ્વારા રસીની કિંમત ઘટાડવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી, SII એ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ વેક્સિનની કિંમત રૂ. 600 થી ઘટાડીને રૂ. 225 પ્રતિ ડોઝ કરવાનો નિર્ણય લીધો છે. અમે ફરી એકવાર તમામ 18+ માટે પ્રિ-કોશન ડોઝ શરૂ કરવાના કેન્દ્રના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ. બીજી તરફ ભારત બાયોટેકના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઈલા જણાવ્યું હતું કે, અમે ખાનગી હોસ્પિટલો માટે કોવેક્સિનની કિંમત 1200 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.
ભારતમાં કોરોનાના કેસ સતત ઘટતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોના રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલો અને કેન્દ્રોમાં ફ્રીમાં રસીના ડોઝ આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 183 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર કહ્યું કે, કોરોના સામેની લડાઈ હવે વધુ મજબૂત બનશે. હવે 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો 10 એપ્રિલથી ખાનગી કેન્દ્રો (ખાનગી રસીકરણ કેન્દ્રો)માં પ્રિ-કોશન ડોઝ મેળવી શકશે.