કોરોના મહામારીઃ મહારાષ્ટ્રમાં જન્માષ્ટ્રમી નિમિત્તે દહી હાંડીનો કાર્યક્રમ નહીં યોજાય
મુંબઈઃ મહારાષ્ટ્રમાં દર વર્ષે જન્માષ્ટ્રમી પર્વની ધામધૂમથી ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે છે. તેમજ વિવિધ વિસ્તારોમાં દહીહાંડીના કાર્યક્રમો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ ભાગ લે છે. જો કે, આ વર્ષે દહી હાંડીનો કાર્યક્રમ નહીં યોજાશે. મહારાષ્ટ્ર સરકારે આ કાર્યક્રમની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળે છે. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ નહીં યોજવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
સીએમ ઠાકરેએ વિભાગીય અધિકારી સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારીના કારણે લોકો હજુ પણ આજીવિકા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં, મંડળ અને ગોવિંદા જૂથોએ રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે, ‘તેમને નાના પાયે યોગ્ય દહી હાંડી કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવામાં આવે, કારણ કે તેની પ્રેક્ટિસ મહિનાઓ પહેલા જ શરૂ થઈ ચુકી છે.’
ગયા સપ્તાહે રાજ્યના મંત્રી સાથેની બેઠકમાં દહી હાંડી સંકલન સમિતિએ કહ્યું હતું કે, ‘તેઓ દહી હાંડી માટે ત્રણથી ચાર સ્તરીય પિરામિડ બનાવશે. તેમાં જે લોકોએ રસીના બે ડોઝ લીધા હશે તેનેજ સામીલ કરવામાં આવશે.’ આ સાથે બીજો એક પ્રશ્ન પણ સામે આવી રહ્યો છે કે, ગણેશ ઉત્સવ નાના પાયે આયોજિત કરી શકાય તો સરકારે દહી હાંડી કાર્યક્રમની પરવાનગી આપવી જોઈએ.
ભાજપના ધારાસભ્ય રામ કદમે કહ્યું કે, ‘હંમેશની જેમ આ વર્ષે પણ અમે દહીં હાંડી કાર્યક્રમનું આયોજન કરીશું. પરંતુ કાર્યક્રમમાં કેટલા લોકો સામેલ થશે તે અમે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે જ નક્કી કરીશું.’ કોરોના મહામારીને કારણે આ વર્ષે મહારાષ્ટ્રમાં પણ સતત બીજા વર્ષે કડક પ્રતિબંધ હેઠળ ગણેશોત્સવનો તહેવાર ઉજવવામાં આવશે. રાજ્ય સરકારે કાર્યક્રમ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં ગણેશ મૂર્તિની ઉંચાઈ નક્કી કરવામાં આવી છે.
રાજ્ય સરકારે તેની માર્ગદર્શિકામાં કહ્યું છે કે, ‘જાહેર સ્થળોએ સ્થાપિત થનારી પ્રતિમાઓની ઉંચાઈ ચાર ફૂટથી વધુ ન હોવી જોઈએ. ઘરમાં બે ફૂટથી વધુ ઉંચાઈની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે નહીં. આરતી માટે ભીડને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે રાજ્ય સરકારે પણ સરઘસ કાઢવાની પરવાનગી આપી નથી. દસ દિવસીય ગણપતિ ઉત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.