Site icon Revoi.in

કોરોના મહામારીઃ સુરતમાં કોર્પોરેશનના તમામ કર્મચારીઓની રજાઓ રદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. હેરિટેજ સિટી અમદાવાદ અને ડાયમન્ડ સિટી સુરતમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. બીજી તરફ બંને નગરોમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા મનપા તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. દરમિયાન સુરતમાં કોવિડની કામગીરી સાથે જોડાયેલા મનપાના તમામ કર્મચારીઓની 30મી એપ્રિલ સુધી રજાઓ રદ કરવામાં આવી છે. સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ વકરતાં મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મ્યુનિસિપલ કમિશનરે કોવિડની કામગીરી સાથે સંકળાયેલા કોર્પોરેશનના તમામ કર્મચારીઓને 30 એપ્રિલ સુધી રજા મંજૂર ન કરવા અધિકારીઓને આદેશ અપાયો છે. 30 એપ્રિલ સુધી રજાના દિવસોમાં પણ કોર્પોરેશનની કોવિડની કામગીરી ચાલું રહેશે

બીજી તરફ સુરતમાં કોરોનાની બીજી લહેરમાં નવજાત શિશુઓ અને બાળકો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં પોઝિટિવ બાળકોની સંખ્યા વધારે નોંધાઈ છે. બાળકોમાં સંક્રમણનું મુખ્ય કારણ પરિવારના કોઈ સભ્ય કોરોના સંક્રમિત હોય ત્યારે જ આવે છે. પરિવારના સભ્યો જો કોવિડ-19ના નિયમોનું પાલન કરે તે બાળકો પણ સુરક્ષિત રહી શકે છે. તેમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાને નાથવા માટે મનપા તંત્ર દ્વારા રસીકરણ અભિયાન પણ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ સંક્રમણને ફેલતુ અટકાવવા માટે સર્વે અને ટેસ્ટીંગની કામગીરી વધારે ઝડપી બનાવાઈ છે.