અમદાવાદમાં કોરોના મહામારીમાં 20 દિવસમાં જ 94 હજાર રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટીવ કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થઈ હતી. જો કે, અમદાવ4દ શહેરમાં 20 દિવસના સમયગાળામાં 94 હજાર ઈન્જેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
AMCના જણાવ્યા અનુસાર, કોર્પોરેશનને ગુજરાત સરકાર તરફથી કુલ 95 હજાર વાયલ રેમડેસિવિર ઇન્જેક્શન પ્રાપ્ત થયા છે. જેમાંથી કુલ 315 અલગ અલગ કોવિડ હોસ્પિટલમાં 94 હજાર વાયલ રેમડેસિવિરનો ઉપયોગ થઇ ચૂક્યો છે. SVP તરફથી તમામ MoU ડેઝિગ્નેટેડ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સને રેમડેસિવિરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મળતા રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થા અનુસાર વિતરણ મર્યાદિત છે તથા સરકાર તરફથી AMCને જે સ્ટોક મળે છે, તે સંબંધિત હોસ્પિટલોને પહોંચાડી દેવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન આપવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આઇસોલેટેડ દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરવું એ મેડિકલ સિદ્ધાંતોની વિરુદ્ધ હોવાનું પણ AMCએ જણાવ્યું હતું. આ ઉપરાંત જરૂરિયાત ન હોય છતાં રેમડેસિવિર આપતા ક્લિનિક અને કોવિડ હોસ્પિટલોને AMCએ ચેતવણી પણ આપી છે.