દિલ્હી: રાજધાનીમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.કોવિડ-19થી નવ લોકોના મોત થયા હતા અને સંક્રમણના 2,031 નવા કેસ નોંધાયા હતા.આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણનો દર 12.34 નોંધાયો હતો.આમ,શહેરમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના બે હજારથી વધુ કેસ નોંધાયા છે.
દિલ્હીમાં સંક્રમણના 2,136 કેસ નોંધાયા હતા અને મહામારીને કારણે 10 લોકો મૃત્યુ પામ્યા હતા, જે છેલ્લા છ મહિનામાં દૈનિક મૃત્યુની સૌથી વધુ સંખ્યા હતી.આ પહેલા 13 ફેબ્રુઆરીએ કોવિડથી 12 દર્દીઓના મોત થયા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં સંક્રમણના 19,82,433 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક વધીને 26,376 થઈ ગયો છે. દિલ્હીમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે,જે લોકો માસ્ક નહીં પહેરે તેમને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.જો કે, આ નિયમ કારમાં સાથે મુસાફરી કરતા લોકો પર લાગુ થશે નહીં.
દિલ્હીમાં કોરોના રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા અને લોકોને બૂસ્ટર ડોઝ સરળતાથી મળી રહે તે માટે કેજરીવાલ સરકારે તેના આમ આદમી મોહલ્લા ક્લિનિકમાં એક રસીકરણ કેન્દ્ર શરૂ કર્યું છે, જ્યાં લોકોને મફતમાં કોરોના રસી આપવામાં આવી રહી છે.આ માટે તમામ મોહલ્લા ક્લિનિકમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.